ભોગ બનનાર સગીરાને ૫ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
ડીસાની ચોથા એડિશનલ સેશન્સ કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં સમાજમાં દાખલો બેસે તેવો કડક ચુકાદો આપી આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. બનાવની વિગત મુજબ, ફરિયાદીની ૧૪ વર્ષ અને ૯ માસની સગીર વયની દીકરીને રસાણા નાના ગામેથી લગ્ન કરવાના ઇરાદે લલચાવી- ફોસલાવી અપહરણ કરી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી શ્રવણજી ઉર્ફે સરવન ભાવસંગજી ઉર્ફે ભાવસંગભાઈ ઠાકોર (સોરણીયા) (મૂળ રહે. ખારા, તા. ભાભર, હાલ રહે. લુદરા, તા. દિયોદર) વિરુદ્ધ આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨)(એન), ૩૭૬ (૩), ૧૧૪ તથા પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૭ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસની તપાસ અધિકારી એસ. એમ. પટણી દ્વારા સઘન તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જેનો પોક્સો કેસ નં. ૪૯/૨૦૨૩ તરીકે કેસ ચાલ્યો હતો.સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ નિલમ એસ. વકીલ (બ્રહ્મભટ્ટ) દ્વારા સમાજમાં મહિલાઓ અને સગીરાઓ સામે વધતા ગુનાઓ અટકાવવા અને દાખલો બેસાડવા મહત્તમ સજાની માંગણી કરતી ધારદાર લેખિત દલીલો રજૂ કરવામાં આવી હતી. અદાલતે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી આરોપી શ્રવણજી ઠાકોરને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને ૨,૦૦,૦૦૦/- (બે લાખ) દંડનો હુકમ કર્યો છે. આ સાથે કોર્ટે ભોગ બનનાર સગીરાને ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) નું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.





