પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા તાલુકાથી તાલુકા યોજના અંતર્ગત હારીજ–બિલીયા–બેચરાજી રોડના આધુનિકીકરણ અને વિસ્તરણની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. સરકારે તા. 03/06/2025ના રોજ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂ. 3,370.00 લાખ (રૂ. 33.70 કરોડ)ની વહીવટી મંજૂરી પ્રદાન કરી છે.આ પ્રોજેક્ટ હેઠળ કી.મી. 2/200 થી 14/000 સુધીના કુલ 11.800 કિલોમીટર માર્ગને હાલની 7.00 મીટર પહોળાઈમાંથી 10.00 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. ઉપરાંત માર્ગનું મજબૂતીકરણ, રોડ ફર્નિશિંગ, પ્રોટેક્શન વોલનું નિર્માણ, વિવિધ સ્ટ્રક્ચરોનું વાઇડનિંગ તેમજ જરૂરી સ્થળોએ ગોળાઈ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પરફેક્ટ ઇન્ફ્રાકોર્પ પ્રા. લિ., મહેસાણાને તા. 25/02/2026ના રોજ વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર 11.800 કિલોમીટરના માર્ગ પર ડબલ્યુએમએમ (Wet Mix Macadam)ની કામગીરી પ્રગતિમાં છે. પ્રોજેક્ટનું કાર્ય સમયમર્યાદા મુજબ 24/02/2027 સુધી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ માર્ગ વિકાસ યોજના પૂર્ણ થયા બાદ હારીજ, બિલીયા, બેચરાજી સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સુવિધાજનક અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. માર્ગ પહોળો અને મજબૂત બનવાથી અકસ્માતોની સંભાવના ઘટશે, વાહનવ્યવહાર વધુ સરળ બનશે તેમજ મુસાફરીનો સમય અને ઇંધણ બંનેની બચત થશે.આ ઉપરાંત માર્ગ સુવિધામાં સુધારાથી વેપાર-વાણિજ્યને નવી ગતિ મળશે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની તકોમાં પણ વધારો થશે. રાજ્ય સરકાર દ્વારા માર્ગ માળખાકીય સુવિધાઓને વધુ સશક્ત બનાવવા હાથ ધરાયેલી આ કામગીરીથી સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.





