ભાજપની 2 મહિલાઓની તબિયત લથડતાં ધારપુર ખસેડવામાં આવી
પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શન કરી રહેલા ભાજપ મહિલા મોરચાના કાર્યકરો પર કેમિકલયુક્ત શાહી ફેંકવાની ગંભીર ઘટના સામે આવી છે.મીડિયા, પોલીસ અને વહીવટી તંત્રની હાજરી વચ્ચે થયેલા આ હુમલામાં 2 મહિલા કાર્યકરોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવને પગલે વિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે અને પોલીસે FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી પુષ્પાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે મહિલા મોરચા દ્વારા લોકશાહી ઢબે કોંગ્રેસ કાર્યાલય બહાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું.તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહિલાઓ પર કેમિકલયુક્ત શાહી ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ ઘટનાને અત્યંત નિંદનીય અને શરમજનક ગણાવી આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલની હોવાનું જણાવીને તેમના રાજીનામાની ઉગ્ર માગણી કરી છે.
આ સાથે કોંગ્રેસના નેતૃત્વ અને નીતિઓ સામે પ્રહારો કરતાં તેમણે હુમલો કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા વહીવટી તંત્રને રજૂઆત કરી છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, ભાજપ મહામંત્રી સંજય ભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક ભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ધારપુર હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે સારવાર હેઠળની મહિલા કાર્યકરોના હાલચાલ પૂછી તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી. આ ગંભીર મામલે પાટણ પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે કેમિકલયુક્ત શાહી ફેંકનારા તત્વો સામે કાયદેસરનો ગુનો નોંધીને તેમની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.





