હિંમતનગર શહેરમાં દિનપ્રતિદિન વકરી રહેલી ટ્રાફિક જામ અને પૂરતા પાર્કિંગના અભાવ જેવી ગંભીર સમસ્યાઓથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર મુદ્દે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, શહેરના મુખ્ય માર્ગો પર અનિયમિત પાર્કિંગ અને દબાણોને કારણે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે, જેના કારણે એમ્બ્યુલન્સ જેવાં ઇમરજન્સી વાહનો પણ અટવાઈ જાય છે. આ સમસ્યાના નિવારણ માટે શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં કડક નિયમો લાગુ કરવા, ગેરકાયદે દબાણો દૂર કરવા અને વાહનચાલકો માટે વૈકલ્પિક પાર્કિંગ સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવામાં આવે તેવી જોરદાર માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.





