અજમલ ચૌધરીના કેસમાં ન્યાય અપાવવા 10 આગેવાનોની કમિટી રચાઈ
રેલીમાં ન જોડાવાનો સમાજનો સામૂહિક નિર્ણય
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠક દરમિયાન શંકર ચૌધરીએ અજમલભાઈ ચૌધરીના કેસમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે સમાજના આગેવાનોને વિગતવાર માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આરોપીઓની અટકાયત કરી તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ એફઆઈઆર સહિતની તમામ કાનૂની પ્રક્રિયાની માહિતી સમાજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
સમી તાલુકાના દાદરા ગામના અજમલ ચૌધરીનું ગત 11 જુલાઈએ અપહરણ કરી તેની સાથે મારપીટ અને લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઓગડના દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓ મઠના મહંત બળદેવગીરી સામે આક્ષેપો કરવામાં આવ્યાં હતા અને આ તમામ સામે ગુનો નોંધવા અરજી કરવામાં આવી હતી. જો કે ચૌધરી સમાજે એવા આક્ષેપ કર્યા હતા કે મૂળ અરજીમાં મહંત બળદેવગીરીનું નામ હતું, પણ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે એમનું નામ સામેલ કરવામાં નથી આવ્યું.સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે પીડિત પક્ષને સંપૂર્ણ ન્યાય મળે તે માટે સમાજના 10 આગેવાનોની વિશેષ કમિટીની રચના કરવામાં આવે. આ કમિટી સમગ્ર મામલાની દેખરેખ રાખશે અને આગળ ની તમામ કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
સમાજના હિતને ધ્યાનમાં રાખીને કમિટીની ભલામણ અનુસાર આગામી પગલાં ભરવામાં આવશે.બેઠક દરમિયાન શંખેશ્વર, વઢિયાર જતોડા અને રાધનપુર પરગણાના ચૌધરી સમાજના આગેવાનોએ સામૂહિક નિર્ણય કર્યો કે, હાલના તબક્કે આ મુદ્દે કોઈપણ રેલી કે અન્ય જાહેર કાર્યક્રમમાં સમાજના સભ્યો જોડાશે નહીં. આગેવાનોનું માનવું હતું કે શાંતિપૂર્ણ અને કાનૂની રીતે પીડિતને ન્યાય અપાવવાના પ્રયાસોને પ્રાથમિકતા આપવામાં આવશે.





