પાલનપુર તાલુકાના બાદરપુરા ગામના વેપારી જગદીશભાઇ ગોવાભાઇ ગોળે ડેરી ઉદ્યોગ માટે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ડીસા શાખામાંથી રૂ.42.75 લાખની લોન લીધી હતી. લોનની રકમની ચુકવણી ન કરતાં બેંકે માંગણી કરી હતી, જેથી વેપારીએ રૂ.3.25 લાખ, રૂ.2.50 લાખ અને રૂ.39.25 લાખના ત્રણ ચેક આપ્યા હતા. જોકે ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાથી ત્રણેય ચેક રીટર્ન થયા હતા.
બેંક દ્વારા નોટિસ પાઠવ્યા બાદ પણ રકમ ચૂકવવામાં ન આવતાં ડીસા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ કેસ દાખલ કરાયો હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલ કૈલાશભાઇ વી. ગેલોતની દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ માહીરશાદ નૌશાદહુસૈન સૈયદે આરોપી જગદીશભાઇ ગોળને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે હુકમની તારીખથી 60 દિવસમાં રૂ.39.25 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. રકમ ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કર્યો છે.





