રાજસ્થાનના સુંધા માતાજી દર્શન કરી ઘરે પરત ફરતા પૂરણ ગામ નજીક અકસ્માત નડ્યો
દિવાળીના તહેવારો દરમિયાન દાંતીવાડા તાલુકાના ભિલડા ગામનો યુવક અને તેનો સાથી મિત્ર બુલેટ પર જ્યારે તેનો મોટો ભાઈ અને પરિવાર જનો ઈકો કારમા રાજસ્થાનના સુંધા માતાજી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાનના પૂરણ ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી નંબર વગરની રીક્ષાના ચાલકે અચાનક કાબુ ગુમાવતા જોરદાર ટક્કર મારતાં બુલેટ સવાર આશરે 34 વર્ષીય યુવક અરવિંદભાઈ ગેનાજી ઠાકોર (મુળ રહે. ભિલડા તા.દાંતીવાડા અને હાલ ધંધાર્થે અમદાવાદ) ને ગંભીર ઈજાઓ થઇ હતી.
તે દરમીયાન પાછળ ઇકો ગાડી લઈને આવતા તેના મોટાભાઈએ તાત્કાલિક તેનાં નાના ભાઈ અને બુલેટ ચાલક અરવિંદભાઈ ગેનાજી ઠાકોર અને બુલેટના પાછળ બેઠેલા અશ્વિનભાઈ પોપટભાઈ કોળી (રહે. ભીલડા) ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓ થતાં વઘુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા પોપટભાઈ કોળી હાલમાં હોસ્પિટલમા સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ અકસ્માતના પગલે તેમનાં મોટાભાઈ અશોકભાઈ ગેનાજી ઠાકોરે રીક્ષા ચાલક વિરૂધ્ધ રાજસ્થાનના જસવંતપુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. મૃતકના બે નાના બાળકોએ પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમા શોકનો માહોલ છવાયો હતો.

