એક સમયે ગુજરાતની રાજધાની રહેલ ઐતિહાસિક નગરી પાટણ શહેરની હાલત આજે દયનીય બની છે. શહેરના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના સદંતર અભાવ વચ્ચે પિસાતી પાટણની પ્રજાની હાલત જોઈને પાટણના મુંબઈ ગરા જૈન શ્રેષ્ઠીઓ પણ પાટણની આવી દશા જોઈ મુંબઈ બેઠાં બેઠાં ચિંતા વ્યક્ત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે પાટણ નગરપાલિકા ના સતાધીશો પાટણ શહેરની ઐતિહાસિકતા ને સાચા અર્થમાં ઉજાગર કરવા શહેરની સમસ્યાઓને નિવારવા કટિબદ્ધતા સાથે કામ કરે તેવી માંગ શહેરના પ્રબુદ્ધ નગરજનો કરી રહ્યા છે. શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વરસે દિવસે કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાટણ નગરપાલિકાને ફાળવાતી હોવા છતાં પાટણ શહેરની દુર્દશા જોતાં પાલિકાના સત્તાધીશો સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો કઈ જગ્યાએ ઉપયોગ કરે છે તે પણ એક સવાલ પ્રબુદ્ધ નગરજનોમાં ચર્ચાએ ચડ્યો છે.
તો કેટલાક સજજન નગર સેવકો પણ પાલિકાની રીતિ નિતિ થી હારી થાકીને નગર સેવક તરીકે ચૂંટાયા હોવા છતાં પણ નગરપાલિકામાં જવાનું માંડી વાળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. પાટણ નગરપાલિકાના સત્તાધીશોની અંદરો અંદરની હુસા તુસીના કારણે આજે પ્રજા પરેશાન બની છે. ત્યારે પાર્ટીના મોવડી મંડળે પણ પાટણ નગરપાલિકાના સત્તાધીશોની શાન ઠેકાણે લાવવા કડક પગલાં ભરવાની આજની તાતી જરૂરિયાત જણાય રહી છે અને તો જ પાટણની પ્રભુતા પુનઃ ખીલી ઉઠશે.