બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલ અવિરત વરસાદ વચ્ચે પાલનપુર શહેરમાં ૭ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.મોડી રાતથી શરૂ થયેલ વરસાદના પગલે શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. જિલ્લા મથક પાલનપુરના કલેકટર, એસ.પી અને ધારાસભ્યના નિવાસ્થાન આગળ પણ પાણી ભરાયા છે. શહેરની આદર્શ સ્કૂલ આગળ પાણી ભરાતા સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. પાલનપુર આબુ રોડ હાઇવેને જોડતાં માર્ગો ઉપર ઢીંચણ સમાં પાણી ભરાયા છે. ઉપરાંત સોનગઢ નજીક હાઇવે ઉપર પાણી ફરી વળ્યા છે. બિહારીબાગ સામે નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાય છે.
જોકે પાણીમાંથી ચાલતા કેટલાક વાહનો બંધ પણ પડયા છે. પાલનપુર શહેરનું ગોબરી તળાવ ઓવર ફ્લો થતાં તળાવ નજીકમાં રહેતા પરિવારોના મકાનોમાં પાણી ઘૂસ્યા છે.ભારે વરસાદને કારણે ગોબરી તળાવ ફાટવાની તૈયારીમાં હોઈ તળાવ આજુબાજુ રહેતા ૪૦૦ થી ૫૦૦ પરિવારોના જીવ પડીકે બંધાયા છે. ગોબરી તળાવના પાણી ખેતરોમાં ઘૂસી જતા મશીનો તણાયા છે સાથે સાથે પાકનો પણ સફાયો થયો છે. શહેરમાં ચોતરફ પાણી ભરાતા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉઠયા છે.તો પાલનપુર આબુ હાઇવે પર ભરાયેલ પાણીના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે.