ફાયર સેફટીના સાધનોનો અભાવ : આગ લાગે તો જવાબદાર કોણ ?
ડીસાના ઢુવા રોડ ઉપર ગત વર્ષે થયેલ ફટાકડા બ્લાસ્ટના પગલે વહીવટી તંત્રે આ વખતે એક પણ ફટાકડા સ્ટોલને મંજૂરી આપી નથી. તેમ છતાં દિવાળી નજીક આવતા જ જુનાડીસા ગામના હાઇવે ઉપર ગેરકાયદે ફટાકડાની હાટડીઓ ધમધમવા લાગી છે.
જુનાડીસાના હાઇવે સહિત વિવિધ વિસ્તારોમાં નાની-મોટી હાટડીઓ કોઈપણ જાતની પરમિશન વગર ધમધમી રહી છે જેમાં ફટાકડા ધારકો દ્વારા સરકારના નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો પણ રાખવામાં આવતા નથી. આમ, ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન તેમજ કોઈપણ જાતના સાધનો જેવા કે પાણીના પીપ, ફાયર બોટલ કે અન્ય ફાયર સેફ્ટી પણ રાખવામાં આવતી નથી. ત્યારે ભરચક વિસ્તારમાં આવેલી ફટાકડાની આ હાટડીઓમાં ઓચિંતી આગની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ ? તેવા સવાલ સાથે ફટાકડા ધારકો પોતાની દુકાનનું પાકું બિલ કે કોઇપણ જાતના જીએસટી બિલ આપતા ન હોવાના આક્ષેપ કરી લોકોએ આ બાબતે જવાબદાર તંત્ર આકસ્મિક તપાસ હાથ ધરે તેવી માંગ પણ કરી હતી.





