2.72 કિમી લાંબુ જળાશય રચાશે; બીજા તબક્કામાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાશે
રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી,ડીસાવાસીઓને દિવાળીની અમૂલ્ય ભેટ
બનાસકાંઠા જિલ્લાના જળ વ્યવસ્થાપનને નવી દિશા આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ડીસા તાલુકાના મહાદેવીયા ગામ પાસે બનાસ નદી પર 'ફિશ સ્કેલ વિયર ડેમ'ના નિર્માણ માટે રૂ. 581 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી દાંતીવાડા અને સિપુ ડેમના વધારાના પાણીનો સંગ્રહ થશે, જેનાથી ડીસા તાલુકાના 70 અને કાંકરેજ તાલુકાના 30 મળી કુલ 100 ગામોને સીધો ફાયદો થશે.
અગાઉ આ વિસ્તારમાં ચેકડેમ દ્વારા પાણી સંગ્રહનું આયોજન હતું. જોકે, બનાસ નદીનો પટ અત્યંત પહોળો હોવાથી દેશની ડેમ નિર્માણ ક્ષેત્રે અગ્રણી સંસ્થા આઈઆઈટી રૂરકીના સહયોગથી વિશિષ્ટ 'ફિશ સ્કેલ સ્ટેપ્ડ વિયર' પદ્ધતિ અપનાવવામાં આવી છે. બનાસ નદીની જમીનની કુદરતી રિચાર્જ ક્ષમતા ઉત્તમ હોવાથી આ ડેમ થકી ભૂગર્ભજળ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. ડેમની પહોળાઈ 500 મીટર રહેશે અને તેમાં પાણીના વહાવને અનુકૂળ સાત સ્ટેપ (મોટા પગથિયા) બનાવવામાં આવશે.ડેમના અપસ્ટ્રીમમાં અંદાજે 2.72 કિલોમીટર લંબાઈનું વિશાળ જળાશય આકાર લેશે. ડેમના ઉત્તર કાંઠે 4,795 મીટર લાંબી મજબૂત રક્ષણાત્મક પાળોનું નિર્માણ કરાશે.આ વખતે જિલ્લામાં નહીંવત વરસાદ થયો છે ત્યારે સરકારના જળ સંગ્રહ અભિગમને ડીસાવાસીઓએ વધાવ્યો છે.





