સતીશ પટેલની આગેવાની હેઠળની ‘ખેડૂત એકતા પેનલ’ના તમામ ૧૦ ઉમેદવારો વિજયી
ઈડર માર્કેટ યાર્ડની APMC ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ખેડૂત વિભાગની ચૂંટણીમાં સતીશ પટેલની આગેવાની હેઠળની ‘ખેડૂત એકતા પેનલ’ના તમામ ૧૦ ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવતાં પેનલનો સંપૂર્ણ વિજય થયો છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘ખેડૂત વિકાસ પેનલ’ના નામે મેન્ડેડ સાથે મેદાનમાં ઉતારવામાં આવેલા ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
ઈડર APMCની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળી રહ્યો હતો. ભાજપ દ્વારા પ્રથમ વખત ‘ખેડૂત વિકાસ પેનલ’ને મેન્ડેડ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયથી નારાજ થયેલા કેટલાક કાર્યકરો અને ખેડૂતો સતીશ પટેલની આગેવાની હેઠળ એકત્ર થયા હતા અને ‘ખેડૂત એકતા પેનલ’ બનાવી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણીમાં સ્પર્ધામાં હતા.
ગઈકાલે કુલ ૯૯૧ મતદારોએ મતદાન કરીને વિવિધ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું હતું. આજે સવારે ૯ વાગ્યાથી ઈડર APMC ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મતગણતરી શરૂ થતાં જ બંને પક્ષના સમર્થકો અને આગેવાનોમાં પરિણામને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ સતીશ પટેલની આગેવાની હેઠળની ખેડૂત એકતા પેનલના ઉમેદવારોનો દેખાવ મજબૂત બનતો ગયો. અંતે પરિણામ જાહેર થતાં ખેડૂત એકતા પેનલના દસેય ઉમેદવારોનો વિજય થયો, જેને સમર્થકોએ ખેડૂતોની એકતા, સંગઠન અને મતદારોની જાગૃતિના વિજય તરીકે ગણાવ્યો.
વિજય બાદ APMC પરિસરમાં સતીશ પટેલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમર્થકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. પરિણામથી સતીશ પટેલની આગેવાની હેઠળની પેનલમાં આનંદનો માહોલ છવાયો હતો, જ્યારે રાજકીય વર્તુળોમાં આ પરિણામને લઈને ચર્ચાઓ તેજ બની છે.





