૨૬ એપ્રિલે મતદાન યોજાશે, વહીવટી તંત્ર સજ્જ
૧૦.૩૬ લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ: સુરક્ષા માટે ૧,૦૦૦ થી વધુ પોલીસ જવાનો તૈનાત
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સામાન્ય અને પેટા ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કલેક્ટર શ્રીએ ચૂંટણીલક્ષી આંકડાકીય વિગતો, સુરક્ષા વ્યવસ્થા અને જનજાગૃતિના કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સવારે ૭:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો અને તાલુકા પંચાયતની ૧૭૦ બેઠકો પર મતદાન થશે. નગરપાલિકાઓમાં હિંમતનગરના ૧૧ વોર્ડ, ઇડરના ૭ વોર્ડ, વડાલીના ૬ વોર્ડ અને પ્રાંતિજ (પેટા ચૂંટણી) ના વોર્ડ નં-૨ ની ૧ બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણી બાદ મતગણતરીની પ્રક્રિયા ૨૮ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. ચૂંટણીમાં હરીફ ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ કરતા કલેક્ટર શ્રીએ ઉમેર્યું કે, જિલ્લા પંચાયત માટે ૧૦૭, તાલુકા પંચાયત માટે ૫૦૦ અને નગરપાલિકાઓ માટે ૨૩૧ હરીફ ઉમેદવારો મેદાનમાં છે. જોકે, તાલુકા પંચાયતની ૩ બેઠકો (વક્તાપુર, નિકોડા અને પિલુદ્રા) અને હિંમતનગર નગરપાલિકાની ૩ બેઠકો બિનહરીફ જાહેર થયેલ છે. વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા માટે કુલ ૧,૦૧૩ પોલીસ સ્ટાફ (તાલુકા પંચાયત માટે ૯૩૨ અને નગરપાલિકા માટે ૮૧) તૈનાત કરવામાં આવ્યા છે.
જિલ્લામાં કુલ ૧૦,૩૬,૧૭૦ મતદારો મતાધિકાર ધરાવે છે, જેમાં જિલ્લા/તાલુકા પંચાયત સ્તરે ૯,૧૮,૧૯૪ અને નગરપાલિકા સ્તરે ૧,૧૭,૯૭૬ મતદારો નોંધાયેલા છે. મતદાન પ્રક્રિયા માટે ૧,૩૪૭ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. ચૂંટણી માટે EVM મશીનોની ફાળવણી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં ૨,૯૮૪ CU (કંટ્રોલ યુનિટ) અને ૩,૧૮૪ BU (બેલેટ યુનિટ) નો સમાવેશ થાય છે. વધુમાં, અત્યાર સુધીમાં ૫,૯૫૮ ટપાલ મતપત્રો અને ૨,૦૦૫ સેવા મતદારોને મતાધિકાર માટેની પ્રક્રિયા રવાના કરવામાં આવી છે. મતદાનની ટકાવારી વધારવા માટે વહીવટી તંત્ર દ્વારા 'સ્વેપ' અંતર્ગત વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી છે. આ અંતર્ગત રંગોલી, ચિત્ર, ક્વિઝ સ્પર્ધા અને જાહેર સ્થળો પર શપથ લેવાના કાર્યક્રમોમાં હજારો બાળકો અને નાગરિકોએ ભાગ લીધો છે. ખાસ કરીને ૨૧૮ શાળાઓના ૨૬,૦૦૦ બાળકોએ રંગોલી સ્પર્ધામાં ભાગ લઈ મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો છે. મતદારોને EVM મશીનથી માહિતગાર કરવા માટે ૧૯ એપ્રિલ ૨૦૨૬થી નિદર્શન કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને નૈતિક રીતે અને અચૂક મતદાન કરવા અપીલ કરી છે.આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ માહિતી નિયામક તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.





