વડગામ તાલુકામાં બુધવાર ની મધ્ય રાત્રી એ મેઘરાજા એ જબરદસ્ત એન્ટ્રી કરતા માત્ર ચાર કલાક મા આઠ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતા. વરસાદ ના પગલે દિવસ દરમિયાન જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી. બનાસકાંઠામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વડગામ તાલુકામાં બુધવાર ની મધ્યરાત્રીએ જાણે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાક માં આઠ આઠ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા રોડ રસ્તા, સરકારી કચેરીઓ તેમજ પાલનપુરને જોડતા માર્ગ પાણી માં ગરકાવ થઈ ગયા હતા. જોકે ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ ના કારણે તાલુકાના અનેક ગામોના તળાવોમાં નવા નીર આવતા છલકાયા હતા. ભારે વરસાદ વચ્ચે સરકારી તંત્ર એલર્ટ બની નુકશાની નો સર્વે હાથ ધર્યો હતો.
બાવલચુડી નો વ્હોળો બન્ને કાંઠે; ઉપર વાસ મા ભારે વરસાદના કારણે છાપી -બાવલચુડી વચ્ચે થી પસાર થતા વ્હોળા આઠ વર્ષે બન્ને કાંઠે આવ્યો હતો.વ્હોળામાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટ્યા હતા.
વડગામ ની કચેરીઓ માં પાણી ભરાયા; વડગામ મા આભ ફાટવા જેવી પરિસ્થિતિ વચ્ચે તાલુકા પંચાયત, ખેરાલુ રોડ, નવા બસ સ્ટોપ, વરવાડિયા રોડ ઉપર મોટી માત્રામાં પાણી ભરાયા હતા.જ્યારે એસટી બસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ ને પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.