પાટણ-ઊંઝા રોડ પર ગતરોજ રાત્રે એક કાર પલટી મારી જતાં કારમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી તો અકસ્માતમાં કાર ને પણ મોટું નુકસાન થયું હતું. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર,ગત રાત્રે પાટણથી ઊંઝા તરફ જઈ રહેલી એક કાર દૂધસાગર ડેરી સામે આવેલ કમળાદીપ સોસાયટીના ગેટ નજીક અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે કારને વ્યાપક નુકસાન થયું હતું. આ માર્ગ પર અવાર નવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોએ તંત્ર સમક્ષ રોડ સલામતીના પગલાં લેવા અને આવા બનાવો અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

