જળ સંકટ નહીં ઉકેલાય તો લોકોને હિજરતનો વારો
બનાસકાંઠા જિલ્લાના ધબકતા હૃદય સમાન ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતોની ચિંતા વધારતા જ નહીં પરંતુ કાળજું કંપાવતા સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકાના બાઈવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર, કોચાસણા અને ફાગુદ્રા સહિતના અડધો ડઝન ગામોમાં છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી ભૂગર્ભ જળસ્તર સતત પાતાળમાં પહોંચી રહ્યા છે. એક સમયે ખેતી અને પશુપાલનથી હરિયાળા ગણાતા આ ગામો આજે પાણીના ટીપાં-ટીપાં માટે તલસી રહ્યા છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જમીનમાંથી પાણી મેળવવા માટે ૫૦૦ થી લઈને ૭૦૦ ફૂટ સુધીના ઊંડા બોર કરવા પડી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે આટલી ઊંડાઈએ જવા છતાં મોટાભાગના વિસ્તારોમાં માત્ર કાળું અને ખારું પાણી જ નીકળે છે. આ કેમિકલ યુક્ત કે ખારા પાણીના કારણે પાક બળી જાય છે, જેથી હવે આ પંથકમાં ખેતી કરવી લગભગ અશક્ય બની ગઈ છે.
પાણીની કટોકટીની સીધી અને ઘાતકી અસર સ્થાનિક પશુપાલન ઉદ્યોગ પર પડી છે. અગાઉ જે ખેડૂતો પોતાના આંગણે ૧૦ થી ૨૦ પશુઓ રાખીને શ્વેત ક્રાંતિ સર્જતા હતા, તેઓ આજે પાણી અને લીલા ઘાસચારાના અભાવે માત્ર ૨ થી ૩ પશુઓ રાખવા મજબૂર બન્યા છે. આવકના બંને મુખ્ય સ્ત્રોત (ખેતી અને દૂધ) ઠપ થઈ જતાં ગ્રામીણ પરિવારો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે અને જીવનનિર્વાહ ચલાવવો આકરો બન્યો છે.
ચિંતાતુર ખેડૂતો અને અગ્રણીઓનું કહેવું છે કે, જો સરકાર કે નર્મદા નિગમ દ્વારા આ ગામોના તળાવો ભરવા અથવા કેનાલ આધારિત પાણી આપવાની કોઈ કાયમી યોજના તાત્કાલિક અમલમાં નહીં મૂકાય, તો આગામી દિવસોમાં લોકોને રોજગારી અને જીવવા માટે માલ-સામાન સાથે વતન છોડીને અન્ય શહેરો તરફ સ્થળાંતર (હિજરત) કરવાની ફરજ પડશે. હાલ તો આ ભયાનક જળસંકટને કારણે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ છે.





