રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં મનરેગા કર્મીઓ મેદાને: કાળી પટ્ટી બાંધી વિરોધ, પગાર મુદ્દે કામકાજ ઠપ્પ

ડીસામાં મનરેગા કર્મીઓ મેદાને: કાળી પટ્ટી બાંધી વિરોધ, પગાર મુદ્દે કામકાજ ઠપ્પ

વહેલી તકે પગાર નહીં થાય તો ગાંધીનગર ઘેરવાની ચીમકી

​બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ છેલ્લા પાંચ મહિનાથી પગાર ન મળતા સરકાર સામે બાંયો ચઢાવી છે. પડતર માંગણીઓ અને આર્થિક સંકટને પગલે આજે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી 'પેન ડાઉન' હડતાળ પાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના નેજા હેઠળ એકત્ર થયેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે, નવેમ્બર-2023 થી અત્યાર સુધી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી. પાંચ-પાંચ મહિનાથી વેતન વગર કામ કરતા કર્મચારીઓ માટે હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે કર્મચારીઓ દેવાના બોજ હેઠળ દબાઈ રહ્યા હોવાની વ્યથા પણ તેમણે ઠાલવી હતી.કર્મચારીઓના જણાવ્યા અનુસાર, આ ગંભીર મુદ્દે અગાઉ પણ ગાંધીનગર ખાતે કમિશનર (ગ્રામ વિકાસ) અને મુખ્યમંત્રી સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળ્યા છે અને વાસ્તવિક સ્તરે કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.યુનિયન દ્વારા તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ​જો ટૂંક સમયમાં બાકી પગાર અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો, આગામી સમયમાં ગાંધીનગર ખાતે ઘેરાવ કરવામાં આવશે.

​મનરેગા સિવાયની અન્ય કોઈ પણ કામગીરી સોંપવામાં આવશે તો કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી વિરોધ સાથે કામ કરશે.​આજે એક દિવસીય પેન ડાઉન હડતાળને પગલે કચેરીની કામગીરી પર માઠી અસર જોવા મળી હતી. હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગે છે કે પછી કર્મચારીઓએ આંદોલન વધુ તેજ બનાવવું પડે છે ?

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર