રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા2 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ખીમાણા–જશાલી રોડ: નાળાના રિપેરિંગ બાદ ચીકણી માટી પાથરતાં અકસ્માતનો ભય

ખીમાણા–જશાલી રોડ: નાળાના રિપેરિંગ બાદ ચીકણી માટી પાથરતાં અકસ્માતનો ભય

પ્રાથમિક શાળા નજીક વરસાદી પાણીના નાળાના કામ સામે સવાલો ઉઠ્યા

વાહન ચાલકો અને ગ્રામજનોની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા–જશાલી માર્ગ પર ખીમાણા પ્રાથમિક શાળા નજીક આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના નાળાના રીપેરીંગ બાદ તેના ઉપર ચીકણી માટી પાથરી દેવામાં આવતા વાહન ચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સામાન્ય વરસાદમાં પણ અહીં કાદવ-કીચડ થવાની શક્યતા હોવાથી અકસ્માતનો ભય ઊભો થયો છે. તેથી માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઓવરલોડ વાહનોના કારણે છેલ્લા પાંચેક વર્ષથી આ નાળું અવારનવાર ડેમેજ થાય છે. અનેક રજૂઆતો બાદ દર વખતે સમારકામ તો કરવામાં આવે છે, પરંતુ કાયમી નવીનીકરણ કરવામાં આવતું નથી. પરિણામે થોડા સમય બાદ ફરી નાળું તૂટી જતું હોવાથી સરકારના નાણાંનો પણ વારંવાર વ્યય થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

તાજેતરમાં કરાયેલા રીપેરીંગ બાદ નાળા ઉપર ચીકણી માટી પાથરી દેવામાં આવી છે. આ માર્ગ પરથી રોજ મોટી સંખ્યામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને ભારે વાહનો પસાર થાય છે. ઉપરાંત બાજુમાં ખીમાણા પ્રાથમિક શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓ માટે પણ આ મુખ્ય માર્ગ છે. વરસાદ પડતાં જ ચીકણી માટી કાદવમાં ફેરવાઈ જવાથી વાહનો સ્લીપ થવાની અને રાહદારીઓને પણ મુશ્કેલી પડવાની શક્યતા છે.

લોકોમાં એવી પણ ચર્ચા છે કે રીપેરીંગ કામગીરીની ગુણવત્તા સંતોષકારક ન હોવાથી તેને ઢાંકવા માટે ચીકણી માટી પાથરવામાં આવી છે. જોકે આ અંગે અધિકૃત પુષ્ટિ થઈ નથી. તેમ છતાં હાલની સ્થિતિને જોતા લોકોમાં સલામતી અંગે ચિંતા વ્યાપી છે. ગ્રામજનો અને વાહનચાલકોએ માંગ કરી છે કે નાળા ઉપર પાથરવામાં આવેલી ચીકણી માટી તાત્કાલિક દૂર કરવામાં આવે, નાળાનું કાયમી અને ગુણવત્તાયુક્ત નવીનીકરણ હાથ ધરવામાં આવે, વરસાદી ઋતુ પહેલાં સમગ્ર માર્ગને સુરક્ષિત બનાવવામાં આવે તેમજ સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના કામોમાં માત્ર કામગીરી પૂર્ણ કરવાનો દેખાવ નહીં, પરંતુ લોકોની સુરક્ષા અને ગુણવત્તાને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ. હાલમાં તો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જ લોકો અને વાહન ચાલકોના હિતમાં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર