બટાકાની ખેતીમાં વધી રહેલા ખર્ચ સામે પોષણક્ષમ ભાવ નહીં મળતા અને કંપનીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ કપાતથી ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોવાના આક્ષેપો વચ્ચે સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના બટાકા ઉત્પાદક ખેડૂતો હવે સંગઠિત બન્યા છે. ખેડૂતોના હક અને યોગ્ય વળતરની માંગ સાથે હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ત્રણ જિલ્લાના ખેડૂતોનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું.
મહાસંમેલનમાં ત્રણેય જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે ઉમટી પડ્યા હતા. લાંબા સમયથી બટાકાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો દ્વારા ઉત્પાદન ખર્ચ, બજારભાવ અને કંપનીઓની કપાત સહિતના મુદ્દાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી પાછળનો ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ તેની સામે મળતો ભાવ અને અંતિમ ચુકવણી ખેડૂતોની મહેનતને અનુરૂપ રહેતી નથી.
ખેડૂતોની ચાર માંગણીઓ બની મહાસંમેલનનું કેન્દ્રબિંદુ
મહાસંમેલનમાં ખેડૂતો દ્વારા ચાર મુખ્ય માંગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોની પ્રથમ માંગ છે કે 20 કિલો બટાકા માટે રૂ.300થી વધુનો પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવે. બીજી માંગમાં 100 કિલો બટાકામાં 1થી 1.600 કિલો સુધી થતી વિવિધ કપાત બંધ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આવી કપાતથી ઉત્પાદન વેચ્યા બાદ મળતી રકમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ખેડૂતોની ત્રીજી માંગ મુજબ બટાકાના લોડિંગ અને અનલોડિંગનો સંપૂર્ણ ખર્ચ કંપનીઓએ ભોગવવો જોઈએ. જ્યારે ચોથી અને મહત્વની માંગ તરીકે ‘બ્રાઉન સ્પોટ’ના નામે કરવામાં આવતી કપાત તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
ખેડૂતોનો એકસૂર : હવે મહેનતનું યોગ્ય મૂલ્ય જોઈએ
મહાસંમેલનમાં ખેડૂતોનો એક જ સૂર જોવા મળ્યો હતો કે વર્ષભર મહેનત કરીને તૈયાર કરેલા પાકનું યોગ્ય મૂલ્ય મળવું જોઈએ. ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય અને બીજી તરફ વિવિધ કપાતના કારણે ખેડૂતોને પૂરતું વળતર ન મળે તો ખેતી ટકાવી રાખવી મુશ્કેલ બની શકે છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત કંપનીઓ સમક્ષ માંગણી કરવામાં આવી છે કે સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે અને ખેડૂતોને ન્યાયસંગત તથા પારદર્શક વ્યવસ્થા મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે.
ચારેય માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વાવણી નહીં
મહાસંમેલનમાં ખેડૂતો દ્વારા મહત્વનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ચારેય માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી કરાર આધારિત બટાકાની વાવણી નહીં કરવાનો સામૂહિક શપથ ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણય કોઈ એક વ્યક્તિ કે એક વિસ્તારનો નહીં, પરંતુ ત્રણ જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોની એકજૂથ લાગણી અને માંગનું પ્રતિબિંબ છે. જો આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી તબક્કે આંદોલન વધુ મજબૂત બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
સરકાર ખેડૂતોની હાકલ સાંભળે તેવી અપેક્ષા
બટાકાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની સમસ્યા માત્ર એક પાક પૂરતી મર્યાદિત નથી, પરંતુ ઉત્પાદન ખર્ચ, બજારભાવ અને ખેડૂતોને મળતા અંતિમ વળતર સાથે સીધી રીતે જોડાયેલી છે. ત્યારે ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે મહેનતનો પાક તૈયાર કરનાર ખેડૂતને તેની મહેનતનું યોગ્ય મૂલ્ય મળવું જ જોઈએ. હવે સરકાર અને સંબંધિત કંપનીઓ ખેડૂતોની આ માંગણી તરફ ગંભીરતાથી ધ્યાન આપે અને ચારેય મુદ્દાઓનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી ખેડૂતોની માગ છે.
મહાસંમેલન દરમિયાન ખેડૂતો દ્વારા સભા સ્થળની સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પોતાના હક માટે અવાજ ઉઠાવવાની સાથે સામાજિક જવાબદારી નિભાવતા ખેડૂતોના આ અભિગમે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હિંમતનગરથી ઉઠેલો આ અવાજ હવે ત્રણ જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોની એકતા અને તેમના ન્યાયસંગત હકની માંગ તરીકે સામે આવ્યો છે. ખેડૂતોને આશા છે કે તેમની રજૂઆત સરકાર સુધી પહોંચશે અને વહેલી તકે યોગ્ય નિર્ણય સાથે તેમને ન્યાય મળશે.





