પાટણમાં પાણીની તંગીના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસે સિદ્ધિ સરોવર ખાતે નગરપાલિકાનું ‘બેસણું’ યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પાલિકાની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી, જ્યારે શાસક પક્ષે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ટેકનિકલ ખામીને કારણભૂત ગણાવી હતી.
શહેર કોંગ્રેસના જણાવ્યા અનુસાર, 28 તારીખે બપોર પછી ખોરસમ કેનાલનો વાલ્વ તૂટ્યો હતો. નગરપાલિકાની અણઆવડતને કારણે ‘સિદ્ધિ સરોવર’ ખાલીખમ હતું. સામાન્ય રીતે પાંચ દિવસનો પાણીનો સંગ્રહ કરી શકતું આ સરોવર ખાલી હોવાથી વાલ્વ તૂટતાની સાથે જ શહેરમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો. કોંગ્રેસે પાલિકાને આ માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી છે.આ ગંભીર બેદરકારી સામે પાટણ શહેર કોંગ્રેસે સિદ્ધિ સરોવર ખાતે પાટણ નગરપાલિકાનું ‘બેસણું’ યોજી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે, આ વિરોધ પ્રદર્શનનો હેતુ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તાઓની બેદરકારીને ઉજાગર કરવાનો છે.
જોકે, કોંગ્રેસના આક્ષેપો સામે શાસક પક્ષના દેવચંદભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સિદ્ધિ સરોવરમાં સામાન્ય રીતે 15 દિવસનો પાણીનો સંગ્રહ રાખવામાં આવે છે. પાણી ખાલી થયા બાદ ખોરસમ કેનાલ દ્વારા સુજલામ સુફલામમાંથી પાણીની માંગણી કરાઈ હતી, જેના પરિણામે 3 કલાક પાણી ચાલુ રહ્યું હતું. ત્યારબાદ ખોરસમ પાસેની પાઇપલાઇનનો મુખ્ય વાલ્વ તૂટી ગયો, જેના કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને પાણી પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી.

