મહેસાણા શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા ઉત્પાદકોની સાથે દુકાનો, હોટલ, પાન પાર્લર, ફૂડ સ્ટોલમાં પણ મનપાની ટીમ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં બે દિવસમાં 20 સ્થળેથી 14 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત કરી 20 વેપારીઓ પાસેથી રૂ.36,500નો દંડ વસૂલ્યો છે.
પર્યાવરણ દિવસની ઊજવણીને લઇ મનપા દ્વારા પર્યાવરણ માટે હાનિકારક સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવવા ઝુંબેશ ચાલુ રખાઇ છે. મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુ. કમિશનરના માર્ગદર્શનમાં સેનેટરી શાખાની ટીમ દ્વારા વાઇડ એન્ગલ સિનેમા પાસેના કોમ્પલેક્ષોની દુકાનો તેમજ હાઇવેની હોટલોમાં ચેકિંગ કરી 8 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 10 વેપારીઓ પાસેથી રૂ.8500 દંડ વસૂલ કર્યો હતો. જ્યારે બુધવારે નાગલપુર હાઇવે પરની હોટલો અને નજીકના પાન પાર્લરોમાં વપરાતા સિંગલ યૂઝ પ્લાસ્ટીકનો વપરાશ થતો હોવાનું ચેકિંગમાં જણાયું હતું તેમજ ફૂડ ચેકિંગ કરાયું હતું. જેમાં 10 વેપારીઓની પાસેથી 6 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.28 હજાર દંડ વસૂલ કર્યો હતો.