એશિયાની નંબર વન બનાસ ડેરીની એક માત્ર દાંતા બેઠકની ચૂંટણીનું આજે સવારે 10 ઓક્ટોબરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન થશે.જેને લઈ બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાનો માહોલ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી બનાસ ડેરી એ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના કુશળ નેતૃત્વ અને દૂરંદેશીને લઈ વિકાસની અવનવી સિદ્ધિઓ સર કરી છે. તેથી ગત ટર્મમાં સમગ્ર નિયામક મંડળ બિનહરીફ થયું હતું.જેના પગલે આ વખતે પણ ડેરીની ચૂંટણી બિનહરીફ થવાની આશા હતી પરંતુ નિયામક મંડળના કુલ 16 ડિરેકટર પૈકી 15 ડિરેક્ટર બિનહરીફ થયા બાદ એક માત્ર દાંતા વિભાગની બેઠક પર ભાજપે અમરતજી ઠાકોરને મેન્ડેટ આપતા જ નારાજ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ આમને સામને આવી ગયા છે.જેથી સહકાર વિરૂદ્ધ સંગઠનનો પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો છે.
જેમાં 85 મતદાર પૈકી તમામને વ્યક્તિગત રીતે મનાવવા બન્ને પક્ષએ કોઈ કસર બાકી રાખી નથી.જેને લઈ મતદારો ગુમ કરાયાના પણ આક્ષેપો ઉઠ્યા છે. જેથી છવાયેલા ઉત્તેજનાભર્યા માહોલમાં આજે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.જેને લઈ વહીવટી તંત્ર ખડેપગે થઈ ગયું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ટાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આજે મતદાન બાદ આવતીકાલે 11 ઓક્ટોબરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

