500 કરોડના ખર્ચે પાવડર અને ટેટ્રા પેક પ્લાન્ટ શરૂ, ડેરીની ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો થવાથી પશુપાલકોને સીધો લાભ મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મહેસાણાની દૂધસાગર ડેરીના બે મહત્ત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ તેમણે દેશના કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતા કુલ રૂ 42,000 કરોડના વિકાસકામો ખુલ્લા મૂક્યા હતા. દૂધસાગર ડેરીમાં અંદાજે રૂ 500 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બે પ્રોજેક્ટમાં રોજના 120 મેટ્રિક ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટ અને 3.50 લાખ કેપેસિટીવાળા ટેટ્રા પેક પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ બંને પ્લાન્ટ ડેરીની ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો કરશે.જેનાથી હજારો પશુપાલકોને સીધો લાભ થશે અને ગુજરાત તેમજ દેશના ડેરી ઉદ્યોગને નવું બળ મળશે.
100 જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદન વધારવાની યોજના લોન્ચ
ડેરીના ચેરમેન અશોક ચૌધરી એ જણાવ્યું કે, આજે નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 100 જિલ્લાઓ કે જ્યાં અનાજ ઉત્પાદન ઓછું થાય છે. એ 100 જિલ્લાઓની અંદર કૃષિ ઉત્પાદન વધારવા માટેની યોજના લોન્ચ કરી છે. જેના દ્વારા ભારત સરકાર એ જિલ્લાઓમાં જે પણ તકલીફ હશે એ દૂર કરી અને કૃષિ ઉત્પાદન વધે અને એ જિલ્લાઓ પણ બાકીના જિલ્લાઓની સમક્ષ સાપેક્ષ આવી શકે. એ રીતની કામગીરી કરવા માટેની યોજના લોન્ચ કરી છે. સાથે સાથે આપણે અનાજમાં તો આત્મનિર્ભર છીએ પણ દાળ ઉત્પાદનમાં આપણે ખૂબ મોટી આયાત કરવી પડતી હોય છે. તો દાળ ઉત્પાદનની અંદર પણ દેશની જરૂરિયાત મુજબનું દાળ ઉત્પાદન ભારતમાં જ થાય એટલા માટે દાળ ઉત્પાદનની અંદર પણ આત્મનિર્ભર મિશનની પણ આજે શરૂઆત કરી છે.
42,000 કરોડના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ
સાથે સાથે લગભગ 1100 જેટલી યોજનાઓ દ્વારા 42,000 કરોડના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો કાર્યક્રમ પણ હતો. જે ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ આવા બધા અલગ-અલગ વિભાગોના સાથે આ પ્રકારનો કાર્યક્રમ હતો. એની અંદર દૂધ સાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને યુનિવર્સિટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે. જેના દ્વારા દૂધ સાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે.

