પાટણનું સાયન્સ સેન્ટર એક હરતી ફરતી વિજ્ઞાન યુનિવર્સિટી તરીકે કાર્યરત છે : ડો. સુમિત શાસ્ત્રી..
પાટણની ઐતિહાસિક રાણી કી વાવ વિશ્વભરમાં જાણીતી છે. ત્યારે પાટણ હવે રાણી ની વાવની સાથે સાથે પાટણ સમીપનું સાયન્સ સેન્ટર પણ વિજ્ઞાનના નવા અધ્યાયનું કેન્દ્ર બન્યું છે. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરે માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ૧૩ લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષ્યા છે,જેમાં ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલાઓ, ખેડૂતો અને દિવ્યાંગ બાળકોને તેનો સીધો લાભ મળ્યો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ ગુજકોસ્ટ દ્વારા સરસ્વતી તાલુકાના ચોરમાર પૂરા ખાતે વિકસાવવામાં આવેલું આ સાયન્સ સેન્ટર આશરે ૮૦ કરોડના ખર્ચે ૧૦ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ કેન્દ્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે વિજ્ઞાનનું જીવંત પ્રતિક બની ગયું છે.આ સેન્ટર વિજ્ઞાનને જોવાની, સાંભળવાની અને અનુભવવાની અનોખી તક પૂરી પાડે છે. અહીં 5-D થિયેટર, ડાયનાસોર રાઈડ, ફોસિલ ખોદકામ ઝોન અને VR અનુભવો જેવા આકર્ષણો બાળકો અને યુવાનોને વિજ્ઞાનની દુનિયામાં જીવંત રીતે ડૂબી જવાનો અનુભવ કરાવે છે.
રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં અહીં ૧૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આ મુલાકાતીઓમાં દેશના ૨૮ રાજ્યો,૮ કેન્દ્રશાસિત પ્રદેશો અને ૧૪ વિદેશી દેશોના મહેમાનોનો સમાવેશ થાય છે.આ કેન્દ્ર દ્વારા અત્યાર સુધી ૨૫૦૦ થી વધુ વૈજ્ઞાનિક કાર્યક્રમો, ૫૩૦ વર્કશોપ્સ,૮૯૫ વિજ્ઞાન શો, ૩૫૫ વિજ્ઞાન દિવસોત્સવો અને ૧૮૦ નિષ્ણાત પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓ જિજ્ઞાસાને પ્રોત્સાહન આપીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે છે.વિજ્ઞાનની આ પરિવર્તન યાત્રા દ્વારા અત્યાર સુધી ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલાઓ, ખેડૂતો અને દિવ્યાંગ બાળકોને સીધો લાભ મળ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે પાટણનું આ સેન્ટર એક હરતી ફરતી વિજ્ઞાન યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. ઐતિહાસિક પાટણ આજે ભવિષ્યના પાટણ તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં દરેક ખૂણો વિજ્ઞાનની નવી ચેતના પ્રગટ કરે છે. આ સ્થળ બાળકો માટે જિજ્ઞાસાનું તીર્થસ્થાન બની ગયું છે, જે મુલાકાતીઓને જ્ઞાન, ઉત્સુકતા અને પ્રેરણાની નવી શીખ આપે છે. પાટણનું રિજિયોનલ સાયન્સ સેન્ટર એ જીવંત પુરાવો છે કે વિજ્ઞાન ફક્ત પુસ્તકોમાં નથી,તેઆપણી આસપાસ જીવંત છે.

