મતદાન બાદ પરિણામને લઈ ઉત્તેજના અકબંધ, ઇવીએમ મશીનના કારણે બપોર સુધીમાં પરિણામો આવી જશે
24 બેઠકો બિનહરીફ છતાં બાકીની બેઠકો પર જોરદાર રસાકસી, પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની કુલ 24 બેઠકો બિનહરીફ થઇ હોવા છતાં બાકીની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે કડક અને પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ જામ્યો હતો. જિલ્લા પંચાયતની 47, તાલુકા પંચાયતની 231 અને ત્રણ પાલિકાની 103 બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. ફોર્મ પરત ખેંચાવાની અંતિમ મુદતે જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 9 અને પાલિકાની 13 બેઠકો બિનહરીફ જાહેર થતાં પ્રારંભથી જ રાજકીય સમીકરણોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ઉમેદવારો અને તેમના સમર્થકોએ મતદારોને રીઝવવા માટે ઝંઝાવાતી લોક સંપર્ક, પ્રચાર સભાઓ અને અવનવી વ્યૂહરચનાઓ અપનાવી હતી, જેના કારણે સમગ્ર જિલ્લામાં ચૂંટણીને લઈ તણાવભર્યો પણ ઉત્સાહજનક માહોલ સર્જાયો હતો. ગરમી અને લગ્નગાળામાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો પણ મતદાન બાદ ‘કોણ જીતશે ?’નો સવાલ યથાવત રહેતા ઉત્તેજના અકબંધ રહેવા પામી છે.
રવિવારે યોજાયેલા મતદાન દરમિયાન જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સારો પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લા પંચાયત માટે 65.45 ટકા અને તાલુકા પંચાયત માટે 65.76 ટકા મતદાન નોંધાયું હતું. પાલનપુર પાલિકામાં 61.50 ટકા, ડીસા પાલિકામાં 61.43 ટકા અને ધાનેરા પાલિકામાં નોંધપાત્ર 78.95 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. આકરી ગરમી અને લગ્નોની સિઝન વચ્ચે પણ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા બહાર નીકળ્યા હતા. જોકે મતદાન પૂર્ણ થયા બાદ પણ સ્પષ્ટ ટ્રેન્ડ સામે ન આવતા હાર-જીતને લઈ ‘જો અને તો’ના તર્કો ચાલુ છે. ઉમેદવારો અને તેમના સમર્થકો પોતાની જીતના દાવા કરી રહ્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો હજુ યથાવત રહ્યો છે.
આવતીકાલે મંગળવારે યોજાનારી મત ગણતરીને લઈ સમગ્ર જિલ્લામાં ઉત્તેજનાનો માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. મત ગણતરી સ્થળોએ લોકોના ટોળેટોળાં ઉમટવાની શક્યતા વચ્ચે વહીવટી તંત્ર દ્વારા મત ગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઈવીએમ મશીન દ્વારા મતદાન થયેલ હોવાથી બપોર સુધીમાં તમામ પરિણામો જાહેર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે પરિણામ પહેલા જ અફવાઓનું બજાર ગરમ બન્યું છે અને કેટલાક વિસ્તારોમાં સટોડિયા સક્રિય બન્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સમગ્ર પરિસ્થિતિમાં હજુ પણ કોણ આગળ રહેશે અને કોણ પાછળ રહેશે ? તે અંગે મતદારો મન કળવા ન દેતાં રાજકીય રસાકસી અને પરિણામને લઈ ઉત્સુકતા યથાવત જળવાઈ રહી છે.





