પાટણ શહેરના હાંસાપુર વિસ્તારમાં આવેલી સુરભી ટેનામેન્ટ સોસાયટીમાં એક 20 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા પાટણ સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતનો કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
મૃતક યુવકનું નામ આશિષકુમાર ઠાકોર હતું, જે 48 વર્ષીય વિનોદ દિવાનજી ઠાકોરનો પુત્ર હતો. વિનોદ ઠાકોર મૂળ ચાણસ્માના વતની છે અને હાલ હાંસાપુરમાં વેપાર કરે છે. આશિષકુમારે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. પરિવારજનોએ આ ઘટનાની જાણ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકે કરી હતી. પોલીસે પિતા વિનોદ ઠાકોરની માહિતીના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ 194 મુજબ ગુનો નોંધી યુવકના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.





