'જય અંબે' ના જયઘોષથી ગગન ગુંજી ઉઠ્યું
ગામ પલ્લીના દર્શન કરવા જનમેદની ઉમટી પડી
નવરાત્રીના નવમા નોરતે ગાંધીનગરના રૂપાલની પલ્લી બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસાના જુનાડીસા ગામે પણ ભવ્ય પલ્લીનું આયોજન કરવામાં આવે છે. આ પલ્લી સમગ્ર ગામમાં ફરતા આખું ગામ દર્શન કરવા માટે ઉમટી પડે છે. જુનાડીસા ગામે આવેલા પૌરાણિક મંદિર એવા સિદ્ધાંબિકા માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીના નવમા નોરતે ભવ્ય ગામ પલ્લીનું આયોજન કરવામાં આવે છે. આ પલ્લી સમગ્ર ગામમાં ફરતા આખુ ગામ પલ્લીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ગામના લોકોએ જાળવી રાખી છે.
કહેવાય છે કે આ મંદિર રાજા સિધ્ધરાજ જયસિંહે બનાવેલું છે. આ મંદિર સાથે અનેરો ઈતિહાસ સંકળાયેલો છે. જુનાડીસા ગામે આવેલા આ મંદિરે પરંપરાગત વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પલ્લી ભરાય છે. આ ગામના ઠાકોર સમાજના યુવાનો માતાજીનો નિવેધ કરી પલ્લીને માથે ઉપાડી આખા ગામમાં પલ્લી નિકાળે છે. માત્ર 15 મિનિટમાં આખા ગામમાં પલ્લી ફેરવી પરત મંદિરમાં આવી જાય છે.
ગઈકાલે રાત્રે સિધ્ધાંબિકા માતાજીની પલ્લી સમગ્ર ગામમાં ફરતા ગામ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી પલ્લીમાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત ગામના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. માતાજીના રથ પલ્લી માતાજીના દીપને શક્તિ સ્વરૂપ માની વિવિધ વાનગીઓનું નિવેધ ધરાવ્યા બાદ ઠાકોર બંધુ સવામણ જેટલા વજનની ભારેખમ પલ્લી માથે ઉપાડી ગામની પ્રદક્ષિણા માટે પ્રસ્થાન કરે છે. જાણે સિધ્ધાઅંબિકા માતાજી પલ્લીરૂપે ગામ લોકોન દર્શન આપવા નીકળ્યા હોય તેવો અદભુત અને આલૈકિક નજારો સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 4 જેટલી પલ્લી યોજાય છે. જેમાં રૂપાલની પલ્લી બાદ જુનાડીસા ગામે પણ ભવ્ય પલ્લી ભરાય છે. જેમાં દૂર દેશાવર ખાતે રહેતા ગામ લોકો પણ અચૂક હાજરી આપે છે. ગામ લોકોની વધુ એક વિશિષ્ટતા એ છે કે અઢારે આલમની કુળદેવી અલગ અલગ છે તે છતાં ગ્રામ્ય દેવી રૂપે શેરી ગરબા પૂર્ણ થતા માતાજીના ચરણે ગરબો વળાવવામાં આવે છે. જે વર્ષો જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ રહી છે.





