આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર નજીક ધુમાડો થતાં બાળકો તથા દર્દીઓના આરોગ્ય સામે ખતરો : તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ
પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડી કેન્દ્ર નજીક કેબલ તથા જૂના ટાયર સળગાવવાના કારણે ભારે ધુમાડો ફેલાતો હોવાની ફરિયાદ સામે આવી છે. જેના પગલે આસપાસના સ્થાનિક રહીશો સહિત અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીઓ અને આંગણ વાડીના નાના ભૂલકાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક તત્વો દ્વારા કોપર વાયર કાઢવા માટે કેબલ તેમજ ટાયર સળગાવવામાં આવતા કાળા ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં ફેલાય છે. ખાસ કરીને અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડી જેવા સંવેદનશીલ સ્થળોની નજીક જ આ પ્રકાર ની પ્રવૃત્તિ થતી હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કેબલ અને ટાયર સળગાવવા થી ફેલાતા ધુમાડાના કારણે નાના બાળકો તથા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આંગણવાડીમાં આવતા નાના બાળકોના આરોગ્યને લઈને વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે.સ્થાનિકોની માંગ છે કે બાળકો અને દર્દીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને અર્બન હેલ્થ સેન્ટર તથા આંગણવાડી આસપાસ કેબલ-ટાયર સળગાવવાની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી પાસે જ ધુમાડો : તંત્રની કામગીરી સામે સવાલ
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીની આસપાસ સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી છે. તેમ છતાં, ખુલ્લેઆમ કેબલ અને ટાયર સળગાવવાની પ્રવૃત્તિ થતી હોવાના કારણે ધુમાડાથી સમગ્ર વિસ્તાર પ્રદૂષિત બની રહ્યો છે.સ્થાનિક રહીશોએ પાલનપુર નગરપાલિકા તેમજ સંબંધિત તંત્રને આ મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરી કેબલ અને ટાયર સળગાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન થાય તે માટે અસરકારક કાર્યવાહી અને નિયમિત દેખરેખ રાખવાની પણ માંગ ઉઠી છે.





