સોસાયટીમાં લગાવ્યા બહિષ્કારના બેનરો
એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો છે અને નેતાઓ ઘરે-ઘરે જઈને મતોની આજીજી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાભરની વિજયનગર સોસાયટીના રહીશોએ તંત્ર અને નેતાઓ સામે મોરચો માંડ્યો છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે.ભાભર-દિયોદર ત્રણ રસ્તા સર્કલથી સોસાયટી તરફ જતો મુખ્ય માર્ગ અત્યારે નરકાગારમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે.
ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે, છતાં કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી. તંત્રની આ ઉદાસીનતાથી કંટાળીને હવે રહીશોએ આરપારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે. સોસાયટીમાં ઠેર-ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ગટરનો પ્રશ્ન તાત્કાલિક નહીં ઉકેલાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને કોઈપણ પક્ષના ઉમેદવારને પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.






