આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે વરસાદી સિસ્ટમ ખસતા ભારે વરસાદની શક્યતા નહિવત
ખેતરોમાંથી પાણી ઓસરવા લાગતાં નિંદામણ અને આંતરખેડની કામગીરી શરૂ થઈ ઊભા પાકને મળ્યું નવું જીવન
બનાસકાંઠા સહિત વાવ અને થરાદના સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી છવાયેલા વાદળછાયા વાતાવરણ અને સતત વરસાદ બાદ આખરે મેઘરાજાએ વિરામ લીધો છે. વિસ્તારમાં આચ્છાદિત વાદળો વચ્ચે માત્ર સામાન્ય વરસાદી ઝાપટાં બાદ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું થયું છે અને તડકો નીકળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ કોઈ નવી મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. સતત વરસાદ બાદ ઉઘાડ નીકળતાં જ સ્થાનિક જનજીવન ફરી સામાન્ય બન્યું છે. ખાસ કરીને ૩ ઓગસ્ટથી નક્ષત્ર બદલાતાંની સાથે જ વરસાદ અટકવો ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
કૃષિ નિષ્ણાતો અને અનુભવીઓના મતે આશ્લેષા નક્ષત્રનો વરસાદ ઊભા પાક માટે બહુ સાનુકૂળ ગણાતો નથી. તેથી આ સમયે વરસાદ અટકવાથી ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.મેઘરાજાના વિરામથી ખેડૂતો હવે પોતાના ખેતરોમાં ફરી સક્રિય બન્યા છે અને નિંદામણ તથા આંતરખેડ જેવાં બાકી રહેલાં કૃષિ કાર્યોમાં જોતરાઈ ગયા છે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં વરસાદના કારણે વાવણી બાકી હતી અથવા પાકને નુકસાન પહોંચ્યું છે ત્યાં ખેડૂતોએ નવા પાકનું વાવેતર શરૂ કર્યું છે.લાંબા સમય પછી નીકળેલા ખુલ્લા તડકાને કારણે ખેતરમાં ભરાયેલાં પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે, જેનાથી ઊભા પાકને નવું જીવન મળ્યું છે. સમગ્ર સરહદી પંથકના ખેડૂત આલમમાં આ પરિસ્થિતિને પગલે ખુશીની લહેર જોવા મળી રહી છે.





