આરોપી ચેકની રકમ 60 દિવસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ
ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામમાં માળીવાસમાં રહેતાં વસંતકુમાર ખેતાજી માળી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં આરોપી દાંતીવાડા તાલુકાના નાની ભાખરના ઠાકોરવાસ શાળાની સામે રહેતાં સેધાજી રમણજી વેડંચીયા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં ફરિયાદી અને આરોપી ડીસાના નવા બસ સ્ટેશનમાં ચાની કેન્ટીન પર ચા પીવા બાબતે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ એકબીજાને ઓળખતાં હોઇ ફરિયાદી અને આરોપી વચ્ચે ગાઢ મિત્રતાના સબંધો સ્થાપિત થયા હતા. જેમાં આરોપીને અકસ્માત થતાં ફરિયાદી સમાચાર લેવા ઘરે ગયા હતા. ત્યારબાદ આરોપી ફરિયાદીના મિત્ર હોઇ આરોપીને ડિસેમ્બર-2024 માં રૂ. 50,000 ની જરૂર હોઇ આરોપીએ ફરિયાદી પાસે હાથ ઉછીનાની માંગણી કરી હતી. ત્યારબાદ આરોપીનો ફોન ફરિયાદી પર આવતાં દવાખાનાના ખર્ચ વધુ છે. જેથી ફરિયાદીએ આરોપીને ફરીથી રૂ. 90,000 હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસે ઘર ખર્ચ માટે ટુકડે-ટુકડે વધુ રૂ. 1,00,000 ઉછીના નાણાં લીધા હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને આઠ માસની મુદ્દતમાં નાણાં ચૂકવી આપવાનું વચન આપ્યું હતું. જેથી આરોપી ફરિયાદીના મિત્ર હોઇ જેથી ફરિયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખ્યો હતો.
ત્યારબાદ આરોપીએ ફરિયાદીને આપેલ સમય અનુસાર, ફરિયાદીએ આરોપી પાસે રૂ.2,40,000 ની વારંવાર ઉઘરાણી કરતાં આરોપીએ રકમ ચૂકવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા-દાંતીવાડા શાખાનો ચેક તા.08/12/2025 ના રોજ રૂ. 2,40,000 નો ચેક સહી કરીને આપ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ ચેક એચ.ડી.એફ.સી.-મોટી આખોલ શાખામાં ભર્યો હતો અને ચેક આરોપીના ખાતામાં કલીયરીંગ અર્થે જતાં ચેક "ફંડસ ઇનસફીસીયન્ટ" ના શેરા સાથે તા.09/12/2025 ના રોજ પરત ફર્યો હતો. જેથી સેધાજી વેડંચીયાએ ખોટો ચેક આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી તેઓએ ડીસાના વકીલ મારફતે ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં ડીસાની મહેરબાન એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટના જજ કુ. ઉર્મિલા મનુભાઇ આહીરે ફરિયાદી પક્ષના વકીલ રાજેશકુમાર એસ. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી સેધાજી રમણજી વેડંચીયાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 60 દિવસમાં ફરિયાદીને ચેકની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો. જ્યારે આરોપીને ડીસા કોર્ટે સજા ફટકારતાં સુનાવણી વખતે આરોપી નામદાર કોર્ટમાં હાજર ન થતાં નામદાર કોર્ટે આરોપી સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેના આધારે દાંતીવાડા પોલીસે નાસતા-ફરતા આરોપીને ગત તા. 14/10/2026 ના રોજ અટકાયત કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો અને નામદાર કોર્ટે આરોપીને પાલનપુર સબજેલમાં સળીયા પાછળ ધકેલી દીધો હતો.





