રૂ.1.25 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં અલગ-અલગ સ્થળેથી થયેલી કેબલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલવામાં ડીસા રૂરલ પોલીસે સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિંગના આધારે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, જુનાડીસા ગામમાં આશરે ત્રણ મહિના અગાઉ કિશન સબમર્સિબલ નામની દુકાનની બહાર ચરખીમાંથી 16 એમ.એમ.નો આશરે 13 મીટર કાળા રંગનો કેબલ વાયર, કિંમત રૂ.13 હજારની ચોરી થઈ હતી. તેમજ આશરે દસ દિવસ અગાઉ જુનાડીસા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઈસ્લામપુરા સોસાયટી પાસે સરકારી બોર પરથી 7 મીટર અને ખોડિયાર માતાજીના મંદિર નજીક આવેલા સરકારી બોર પરથી 5 મીટર મળી કુલ 12 મીટર કેબલ વાયર, (કિંમત રૂ.12 હજાર) ની ચોરી થઈ હતી.
આમ બંને બનાવોમાં કુલ 25 મીટર કેબલ વાયર (કિંમત રૂ.25 હજાર) તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા (કિંમત રૂ.1 લાખ) મળી કુલ રૂ.1.25 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસ ઈન્સ્પેક્ટર વી.જી. પ્રજાપતિની ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે વણઝારા વાસ, ડીસા ખાતે રહેતા કિશનભાઈ બાબુભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો છે. જ્યારે ભરત ઉર્ફે કાળીયો ગણેશભાઈ લોધા, શંકરભાઈ ઉર્ફે શંકો કાનજીભાઈ ઠાકોર અને રાહુલ ઉર્ફે ટોલીયો દશરથભાઈ લોધા ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં જુનાડીસા જમાદાર એ.એસ.આઈ.સુરેશભાઈ કુંપાજી, હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ, ઈશ્વરભાઈ, મોહસીનખાન તથા પોલીસ કોન્સ્ટેબલ રાણસિંહ, વીરસંગભાઈ, રમેશભાઈ અને અર્જુનસિંહ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.ગામલોકોના હિતમાં સરકારી બોર અને અન્ય મિલકત પરથી થતી ચોરીઓનો ભેદ ઉકેલી પોલીસે સરાહનીય કામગીરી કરી છે.





