હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી-HUDAમાં હિંમતનગર આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો આ 11 ગ્રામપંચાયતનાં 18 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને લઈને આજે હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર આવેલા કાંકરોલ પાસેના સ્વાગત પાર્ટી પ્લોટમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં 18 ગામોના ખેડૂતો તેમના પરિવાર અને સંબંધીઓ સાથે જોડાયા હતા.
જના મહાસંમેલનમાં 18 ગામના ખેડૂતો તેમના પરિવારો સાથે આવ્યાં હતા. પાર્ટી પ્લોટ ખાતે 15 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી, અને હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આખેઆખા ગામના તમામ જ્ઞાતિના ખેડૂતો તેમના પરિવારો સાથે ટ્રેક્ટર ભરી ભરીને મહાસંમેલનમાં આવ્યા હતા. આ બધા ખેડૂતો એક જ નારો લગાવી રહ્યા હતા – “HUDA હટાવો જમીન બચાવો.”
હિંમતનગરના ખેડૂતોનો વિરોધ શહેરી વિકાસના વિરુદ્ધમાં નહીં, પરંતુ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમની જોગવાઈઓ સામે છે. આ જોગવાઈઓ હેઠળ ખેડૂતોની 100% જમીનમાંથી 40% જમીન જાહેર હેતુઓ માટે નાણાકીય વળતર વિના કપાતમાં જઈ શકે છે. ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે તેમની આજીવિકા મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન પર નભે છે. જો 40% જમીન કપાત જશે, તો બાકીની 60% જમીનમાં તેમને આર્થિક રીતે ટકવું મુશ્કેલ બનશે. અગાઉ અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં જમીનના ભાવ વધ્યા હતા, જેથી 40% કપાત બાદ પણ ખેડૂતોને ફાયદો થયો હતો, પરંતુ હિંમતનગરમાં મોટાભાગના લોકોનું જીવન જમીન પર નિર્ભર હોવાથી આ જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.