ખાતર મેળવવા ખેડૂતો ની વહેલી સવાર થી જ લાંબી કતારો જોવા મળી
પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ મોટા ખર્ચે પોતાના ખેતરોમાં વાવેતર કર્યું છે, પરંતુ પાક માટે જરૂરી યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા વ્યાપક અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે.ગુજકોમા સોલ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળે છે.જોકે, જરૂરિયાત સામે ખાતરનો જથ્થો ઓછો હોવાથી એક ખેડૂતને માત્ર બે કે ત્રણ યુરિયા ખાતરની થેલી જ આપવામાં આવી રહી છે. આ મર્યાદિત વિતરણથી ખેડૂતો નારાજ છે.ખેડૂતો ને ભય છે કે જો પાકને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નહીં મળે, તો તેમના વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ છે.
સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ખેડૂતોને ડીએપી ખાતરની જરૂરિયાત ન હોવા છતાં યુરિયા ખાતર સાથે ફરજિયાતપણે તે પણ આપવામાં આવી રહ્યું છે. આના કારણે ખેડૂતોનો ખર્ચ વધી રહ્યો છે અને તેમને બિનજરૂરી વસ્તુ ખરીદવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. આ સમગ્ર મામલે ગુજકોમા સોલ ખાતર ડેપોના ઇન્ચાર્જ મેનેજર એ માહિતી આપી હતી કે, શનિવારે ખાતરની એક ગાડી આવી હતી,જેમાં ૪૦૦ જેટલી ખાતરની બોરીઓ હતી.હાલમાં નિયમ મુજબ દરેક ખેડૂતને ત્રણ બોરી આપવામાં આવે છે. યુરિયાના જથ્થાની અછત અને મર્યાદિત વહેંચણીના કારણે ખેડૂતોની સમસ્યા યથાવત છે અને તેઓ વહેલી તકે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થાય તેવી માગ કરી રહ્યા છે.

