પાટણમાં એક નિવૃત્ત શિક્ષક સિનિયર સિટીઝનને ૨૨ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખીને રૂ. ૪૪ લાખની રકમ ટ્રાન્સફર કરાવી ધમકીઓ આપવાના કેસમાં દેવીલાલ શંકરલાલ બિશ્નોઈ રહે.બિકાનેરની જામીન અરજી પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.વી. પઠાણે ના મંજૂર કરી આરોપીને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીને રાજસ્થાનની જયપુર સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પાટણની સાયબર ક્રાઈમ પોલીસે પાટણ લાવી કોર્ટમાં રજૂ કર્યો હતો. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેણે જામીન અરજી કરી હતી,જેનો સરકારી વકીલ આર.પી. ઓઝાએ સખત વિરોધ કર્યો હતો.સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, હાલમાં આ પ્રકારના ગંભીર ગુનાઓ વધી રહ્યા છે,જેનાથી સમાજને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આવા આર્થિક ગુનાના આરોપીને સરળતાથી જામીન પર મુક્ત કરવાથી સમાજ પર વિપરીત અસર પડી શકે છે તેથી આરોપીને જામીન ન આપવા જોઈએ.
પાટણ પોલીસે આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે જયપુરથી અટક કર્યો હતો, જે તેની પ્રથમદર્શીય સંડોવણી દર્શાવે છે. આ કેસની તપાસ હજુ ચાલુ છે.નોંધનીય છે કે, જયપુરની સ્ટેટ સાયબર ક્રાઈમ પોલીસે આરોપી દેવીલાલની અન્ય કોઈ ગુનામાં ધરપકડ કરી હતી. તે જયપુરની સેન્ટ્રલ જેલમાં બંધ હતો અને તેને તા. ૪ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ જયપુરથી પાટણ લાવવામાં આવ્યો હતો. જયપુર પોલીસે તેની અટકાયત કરતાં તેની પાસેથી આ ગુનામાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર થયેલા એક્સિસ બેંકના એકાઉન્ટની ચેકબુક મળી આવી હતી.

