એનડીપીએસ કેસનો ૩૦ વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી પકડાયો

એનડીપીએસ કેસનો ૩૦ વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી પકડાયો

બનાસકાંઠા પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ડીસા રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. ડીસા રૂરલ પોલીસે છેલ્લા ૩૦ વર્ષથી નાસતા-ફરતા અને એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. પોલીસ મહાનિરિક્ષક સરહદી રેંજ કચ્છ-ભુજ ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંઝુડાની સૂચના હેઠળ એક ખાસ ટીમ કાર્યરત કરવામાં આવી હતી.જે ​પોલીસ ટીમે હ્યુમન સોર્સ અને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમિયાન ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૨૩૬/૧૯૯૫, એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૧૭ અને ૨૨ મુજબના ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ દાયકાથી વોન્ટેડ અને સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબ નાસતા-ફરતા આરોપી ભગીરથ ભારમલ બિશ્નોઇ (રહે. કોટડા, તા. રાણીવાડા, જી. ઝાલોર, રાજસ્થાન) ને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી ભગીરથ બિશ્નોઇ છેલ્લા ૩૦ વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખીને ફરાર હતો અને રાજસ્થાનમાં સંતાઈને રહેતો હતો. ડીસા રૂરલ પોલીસની સતર્કતા અને બાતમીના સચોટ ઉપયોગથી આ લાંબા સમયથી વોન્ટેડ આરોપીને આખરે ઝડપી લેવાયો છે.

​પોલીસે પકડાયેલા આરોપી ભગીરથ ભારમલ બિશ્નોઇ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા બદલ ડીસા રૂરલ પોલીસની ટીમને અભિનંદન મળી રહ્યા છે. ૩૦ વર્ષ જૂના કેસમાં આરોપીને પકડવાની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગુનેગાર ભલે ગમે તેટલો સમય છુપાય, પરંતુ કાયદો લાંબો હાથ ધરાવી તેને પકડી પાડે છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *