પાલનપુરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા જન જીવન અસ્ત વ્યસ્ત: શાળાઓ બંધ રહી

પાલનપુરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા જન જીવન અસ્ત વ્યસ્ત: શાળાઓ બંધ રહી

પાલનપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે ભારે વરસાદ થતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. શહેર ના મફતપુરા-જનતા નગર તો બેટમાં ફેરવાયા હતા. ત્યારે ભારે વરસાદને લઈને જિલ્લા કલેકટરે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. વરસાદ ને પગલે ટ્રાફિક ડાયવર્ટ કરવાની સાથે કેટલાય રોડ રસ્તા બંધ થતાં જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું.

પાલનપુરમાં મેઘરાજાના આક્રમક તેવરને પગલે માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા પાલનપુર શહેર પાણી પાણી થઈ ગયું હતું.  ભારે વરસાદને લઈને પાલનપુરની બ્રિજેશ્વર કોલોની વિસ્તારનો મુખ્ય માર્ગ બંધ થયો હતો. શહેરમાં આવતા મુખ્ય માર્ગમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘૂંટણ સમા પાણી ભરાવાને કારણે અનેક વાહનો ખરાબ થતા લોકોને હાલાકીઓ વેઠવી પડી હતી.

જ્યારે પાલનપુરનો બેચરપુરા વિસ્તાર પણ બેટમાં ફેરવાયો હતો. બેચરપુરા થી હાઇવે ઉપર જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા આજુબાજુના વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણીના નિકાલની કામગીરી પુરી ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

પાલનપુરની સુખબાગ રોડ પરની અમનપાર્ક સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા.પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. શહેરના આંબાવાડી, ગણેશપુરા, સિવિલ હોસ્પિટલ, કીર્તિસ્થંભ, ચાણક્યપુરી સોસાયટી, કોલેજ કમ્પાઉન્ડ સહિત અનેકવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા.

જોકે, પાલનપુરમા ધોધમાર વરસાદને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. છેલ્લા બે કલાક થી ટ્રાફિકજામ થતા હાઇવે બંધ થયો હતો. ગઠામણ પાટીયા પાસે પુલની કામગીરી અને પાણી ભરાઈ જવાને કારણે વાહનો અટવાયા હતા. ટ્રાફિક જામ થતા અંતે ટ્રાફિકને એસબીપુરાવાળા રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તો વળી આબુ થી ડીસા અને અમદાવાદ જતા ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાનું ડીવાયએસપી જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું. જોકે, પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદને કારણે લડબી નદી બે કાંઠે વહેતા કોઝવે તૂટ્યો હતો. કોઝ વે તૂટતા વેડંચા અને ભાવિસણા વચ્ચેનો માર્ગ બંધ થયો હતો. જેથી પશુપાલકો, વાહન ચાલકો અને રાહદારીઓ  મુશ્કેલીમાં મુકાયા હતા.

એસ.પી, કલેકટરના નિવાસ સ્થાનનો માર્ગ પાણીમાં ગરકાવ; પાલનપુરમાં ભારે વરસાદને કારણે કલેક્ટર, ધારાસભ્ય અને એસ.પી.ના નિવાસસ્થાનનો માર્ગ પણ બંધ થયો હતો. આદર્શ વિદ્યા સંકુલ રોડ પર ઘૂંટણ સમાજ પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહીત રાહદારીઓ  મુશ્કેલીમાં મુકાયા હતા. આદર્શ, મેવાડા, કુંવરબા સહિતની સ્કૂલો માં પાણી ભરાવવાને કારણે તંત્ર દ્વારા આજે શાળાઓમાં રજા આપવાની ફરજ પડી હતી.

ભારે વરસાદ: શાળા ઓ બંધ રહી, વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા કલેકટર મિહિર પટેલે 5 તાલુકાની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્રીજી જુલાઈને ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાલિકાની ટીમ સાથે ધારાસભ્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે; પાલનપુરમાં ભારે વરસાદને પગલે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાતા પાલનપુરના ધારાસભ્ય પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, અને નગર સેવકો સહિતની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે જરૂરી તજવીજ હાથ ધરી હતી. વરસાદને પગલે મુશ્કેલીમાં મુકાયેલા લોકો વચ્ચે જઈને સમસ્યાના ઉકેલ માટે લોકોને હૈયાધારણા આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *