બનાસ નદીના પટમાંથી ગેરકાયદે ખનન કરી રોયલ્ટીની કરોડોની ચોરી, ઉડતી રેતીથી રાહદારીઓ પરેશાન
નાયબ કલેક્ટર, મામલતદાર અને પોલીસ ની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ
ડીસા પંથકમાં ખનીજ માફિયાઓ કાયદો અને વહીવટીતંત્રને ખુલ્લેઆમ પડકારી રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના કડક જાહેરનામા અને મોટર વ્હીકલ એક્ટના નિયમોનો સરેઆમ ભંગ કરીને તાડપત્રી કે કપડું બાંધ્યા વગર રેતી અને કપચી ભરેલા ટ્રેક્ટરો હાઇવે તથા શહેરમાં બેરોકટોક દોડી રહ્યા છે. ડીસાના હાર્દસમા વિસ્તાર ગણાતા હાઇવે વિસ્તારમાં વાહનો ખુલ્લેઆમ પસાર થાય છે. વાહનોમાંથી ઉડતી રેતીને કારણે રાહદારીઓ અને વાહનચાલકોની આંખોમાં રેતી પડતા અકસ્માતનો ભય રહે છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કાયદાનો કોઈ ડર ન હોય તેમ આ માફિયાઓ બેખોફ ફરી રહ્યા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે ડીસા નાયબ કલેક્ટર કચેરી, શહેર-ગ્રામ્ય મામલતદાર અને ઉત્તર-દક્ષિણ પોલીસ મથકની નાક નીચે જ આ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. બીજી તરફ, બનાસ નદીના પટમાંથી દિવસ-રાત મોટાપાયે ગેરકાયદે ખનન કરીને સરકારની રોયલ્ટીની તિજોરીને કરોડો રૂપિયાનું ચૂનો લગાડવામાં આવી રહ્યો છે, જેનાથી પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
તંત્રની આ પ્રકારની ઉદાસીનતા જોઈને સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું અધિકારીઓની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે? વહીવટીતંત્ર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાના પણ આરોપો લાગી રહ્યા છે. જો વહેલી તકે આ માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી અને દંડકીય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિક જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ અંગે કોઈ ઠોસ કાર્યવાહી કરે છે કે પછી આંખ આડા કાન જ કરે છે.





