ખેતરેથી બાઈક પર ઘરે પરત ફરતી વખતે ખેડૂતોને અકસ્માત નડ્યો
સિદ્ધપુરના બિલિયા ગામ નજીક ગતરોજ એક માર્ગ અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા છે. ખેતરેથી પોતાના ઘરે પરત ફરી રહેલા આ બંને ખેડૂતોના બાઈકને એક કાર ચાલકે ટક્કર મારી હતી. જે બાદ વાહન મુકી ચાલક ફરાર થઈ ગયો હતો.મૃતક ખેડૂતોની ઓળખ બિલિયા ગામના નવીન હરગોવન પટેલ અને અંબારામ મોતી પટેલ તરીકે થઈ છે. બંને એક જ મહોલ્લામાં રહેતા પડોશીઓ હતા. અને ખેતીકામ સાથે સંકળાયેલા હતા. તેઓ કહોડા તરફની સીમમાં આવેલા તેમના ખેતરેથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બિલિયા નજીક પેટ્રોલપંપ પાસે આ ઘટના બની હતી. હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કાર ચાલકે તેમના બાઈકને અડફેટે લેતા બંને ખેડૂતો રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેમને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વધુ સારવાર માટે મહેસાણા લઈ જતી વખતે રસ્તામાં જ અંબારામભાઈનું મૃત્યુ થયું હતું. તેમનું પોસ્ટમોર્ટમ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં કરાયું હતું. જ્યારે નવીન પટેલનું પણ મહેસાણાની હોસ્પિટલમાં એક દિવસની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે લોકોના મૃત્યુથી પરિવારજનો અને ગામમાં શોક વ્યાપી ગયો છે.





