એક આરોપીની અટકાયત, અન્ય એકની શોધખોળ
રૂ. ૮,૦૦૦થી વધુનો મુદ્દામાલ અને લૂંટાયેલો મોબાઈલ કબજે
૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ બાદ પોલીસને મળી સફળતા
ડીસા-પાલનપુર હાઈવે પર બંસી કાઠીયાવાડી હોટલ નજીક બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનાનો ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનના જોધપુર જિલ્લાના દેવાતુ ગામના વતની ફરિયાદી મહોબતસિંહ ઉર્ફે મોહનસિંહ રાજપૂતને આરોપીઓએ હિટાચી મશીનમાં કામ અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેમને નંબર પ્લેટ વગરની સફેદ રંગની ઈકો ગાડીમાં બેસાડી, ગળા પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથીવીવો કંપનીનો મોબાઈલ ફોનરૂ. ૪,૦૦૦ની રોકડ રકમ કાનમાંથી ખેંચી લીધેલી રૂ. ૪,૦૦૦ની કિંમતની સોનાની બુટી લૂંટી લીધી હતી. બુટી ખેંચતી વખતે ફરિયાદીના કાનમાંથી લોહી નીકળતા તેઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા.બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી તથા ડીસા શહેર દક્ષિણ પીઆઈ એમ. બી. કોટવાલની સૂચનાથી સર્વેલન્સ ટીમે તપાસ આદરી હતી.
પોલીસે ડીસા શહેરના વિવિધ વિસ્તારોના ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગુનામાં વપરાયેલી ઈકો ગાડી અને આરોપીઓને ટ્રેસ કર્યા હતા. પોલીસે મુકેશભાઈ ભવાનજી ઠાકોર (ઉં. ૩૧, રહે. સ્પોર્ટ્સ ક્લબ, નહેરૂનગર ટેકરા, ડીસા)ને ઝડપી પાડી તેની પાસેથી લૂંટાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો છે. આ ગુનામાં સામેલ અન્ય આરોપી રોહિતસિંહ કનુસિંહ જાદવ (મૂળ રહે. સમી મોટા, હાલ રહે. હિમાલય સોસાયટી, ડીસા) હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.ડીસા દક્ષિણ પોલીસની આ ત્વરિત કામગીરીને સ્થાનિકો તરફથી ભારે સરાહના મળી રહી છે.





