આરોગ્ય વિભાગની દોડધામ,સેમ્પલ તપાસ માટે મોકલાયા, રિપોર્ટની રાહ
કાંકરેજ તાલુકાના શિહોરી નજીક આવેલા થરેચાવાસ ગામડીમાં ધોરણ-4 માં અભ્યાસ કરતા 9 વર્ષીય વિદ્યાર્થી સિદ્ધરાજનું સારવાર દરમિયાન કરુણ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. બાળકના મોતને લઈને ચાંદીપુરા વાયરસની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અંતિમ સત્ય લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
મૃતક બાળકના પિતાના જણાવ્યા મુજબ, બાળકને ત્રણ વખત ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ તાવ ચડ્યો અને ખેંચ આવતાં તેને પ્રથમ શિહોરીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે પાટણની નવજીવન હોસ્પિટલમાં રિફર કરાયો, જ્યાં બે દિવસ સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ધારપુર હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે બાળકને વધુ વહેલો લાવવામાં આવ્યો હોત તો બચાવની શક્યતા વધી શકતી હતી. જોકે તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.ધારપુર મેડિકલ કોલેજ દ્વારા બાળકના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે અને હવે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.ઘટના બાદ શિહોરી આરોગ્ય વિભાગની ટીમ છેલ્લા બે દિવસથી થરેચાવાસ ગામડીમાં દવા છંટકાવ, બાળકોની આરોગ્ય તપાસ અને સર્વેલન્સની કામગીરી કરી રહી છે. ગામમાં અંદાજે 30 જેટલા પરિવારો વસવાટ કરે છે અને ધોરણ 1થી 5 સુધીની શાળામાં આશરે 65 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા અપીલ કરી છે. બાળકોમાં તાવ, ઉલ્ટી, ખેંચ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા સૂચના આપવામાં આવી છે.





