માલગઢના પૂર્વ સરપંચનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

માલગઢના પૂર્વ સરપંચનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

આત્મહત્યા પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી ત્રાસઅંગે ગંભીર આરોપો લગાવ્યા

ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ કુંદનલાલ કચ્છવા દ્વારા ગુરુવારે બપોરે ગોળી મારીને આત્મહત્યાનો ગંભીર પ્રયાસ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ગોળી વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કુંદનલાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક બનતા તેમને વધુ સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જોકે, શુક્રવારે સાંજે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું, જેના પગલે માલગઢ ગામ અને ડીસા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

​પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના ગુરુવારે બપોરે માલગઢ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજ ખાતે બની હતી. પૂર્વ સરપંચ કુંદનલાલ કચ્છવાએ પોતાની પાસેની બંદૂક વડે જાતે ગોળી મારીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગોળી વાગતા જ તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા કુંદનલાલ કચ્છવાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કથિત રીતે કેટલાક વ્યક્તિઓ દ્વારા તેમને ‘ત્રાસ’ આપવામાં આવતો હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ ત્રાસના કારણે જ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું.

​આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ડીસા પોલીસ તુરંત સક્રિય થઈ હતી અને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આત્મહત્યાના પ્રયાસ પાછળના ચોક્કસ કારણો, પૂર્વ સરપંચે વીડિયોમાં લગાવેલા ‘ત્રાસ’ના આરોપોની સત્યતા અને તેમાં સંડોવાયેલા કથિત વ્યક્તિઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ પૂર્વ સરપંચે શા માટે આત્મઘાતી પગલું ભર્યું ? તેની તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. ​સ્થાનિક રાજકારણ સાથે સંકળાયેલા એક અગ્રણી વ્યક્તિએ આવું આત્યંતિક પગલું ભરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરંતુ પોલીસની સઘન તપાસ બાદ જ આ સમગ્ર ઘટના પાછળનું સાચું રહસ્ય બહાર આવી શકશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *