બનાસડેરી બાદ બનાસ બેંક પર શંકર ચૌધરીનો દબદબો: બનાસ બેંક બની પાટણ બેંક બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા "બનાસ બેંક"ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજરોજ પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં ભાજપના મેન્ડેટના આધારે ચેરમેન પદે ડાયાભાઈ પીલિયાતર અને વાઇસ ચેરમેન પદે કેશુભા પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદ ની સૌથી મોટી સહકારી સંસ્થા "બનાસ બેંક"ની બીજી ટર્મના ચેરમેન માટે આજે પાલનપુર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ભાજપ અગ્રણી ડાયાભાઈ પીલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા ગોવિંદભાઈ પરમારની સર્વાનુમત્તે વરણી કરાઇ હતી. નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલીયાતરે પોતાની પસંદગી કરવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ બનાસ બેંક ખેડૂતોની બેંક બની રહે તે માટે ખેડૂતોના હિત માં કાર્ય કરવાની ખાત્રી આપી હતી. આમ, બનાસ બેંકની ચૂંટણીમાં સહકારી અગ્રણી અને વિધાન સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હાથ ઉપર રહેતા તેઓના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.






