ધરણીધરના જોડીયાળી માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું : ખેડૂતોને ભારે નુકસાન

ધરણીધરના જોડીયાળી માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું  : ખેડૂતોને ભારે નુકસાન

વાવ થરાદ સરહદી પંથકમાં કેનાલો તૂટવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાંથી પસાર થતી જોડીયાળી માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું પડતા વિસ્તારમાં ફરી એકવાર નર્મદા વિભાગના તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. અંદાજે 15 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થયો છે. કેનાલ તૂટવાના કારણે આસપાસના ખેતી વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. જેનાપરિણામે ખાસ કરીને એરંડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. પાક તૈયાર થવાના સમયે પાણી ભરાવાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની ગુણવત્તામાં ગંભીર ખામીઓ છે. અને સમયસર મરામત તથા દેખરેખ ન રાખવાના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓની બેદરકારીના પાપે ફરી એકવાર ખેડૂતને નુકસાન સહન કરવું પડ્યું છે. ઘટનાની જાણ થતા ખેડૂતોએ તાત્કાલિક સ્થળ પર સર્વે કરી પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવા તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કેનાલની મજબૂત મરામત અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. સરહદી પંથકમાં પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો આ રીતે વેડફાટ થતો હોવા છતાં તંત્ર દ્વારા ગંભીરતા ન દાખવવામાં આવતી હોવાનો રોષ હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *