હવામાન વિભાગે આજે, 8 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ભારતથી લઈને પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આજે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે. તેના પ્રભાવથી જમ્મુ અને કાશ્મીર , લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનના જોખમને કારણે, લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.
આજે બિહારમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી થોડા દિવસો સુધી છૂટાછવાયા વિસ્તારોમાં આ સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. ઝારખંડમાં 12-13 સપ્ટેમ્બરે ભારે વરસાદ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં 11-13 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓડિશામાં 8-9 સપ્ટેમ્બરે અને ફરી 10-12 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે.





