અકસ્માત અન્ય એક ઈસમ ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયો
પાટણ જિલ્લાના સમી તાલુકામાં એક માર્ગ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો.આ ઘટના શબ્દલપુરા પાટીયા નજીક એસટીબસે મોટરસાયકલને ઓવરટેક કરવાના પ્રયાસ દરમિયાન બની હતી. અકસ્માત સર્જી બસ ચાલક વાહન છોડી ફરાર થઈ ગયો હતો.
ગોચનાદ ગામના રહેવાસી વિશાલ બિજલભાઇ ઠાકોર અને તેમના મિત્ર સમીરશા મુસ્તુફાશા ફકીર (મોટરસાયકલ નંબર GJ-24-BA-0754) રાધનપુર શાંતિધામ ખાતે એક વ્યક્તિના અગ્નિસંસ્કારમાં ગયા હતા. વિધિ પૂર્ણ કરીને બંને મિત્રો રાધનપુરથી ગોચનાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.રાધનપુર-મહેસાણા હાઇવે રોડ પર શબ્દલપુરા પાટીયાથી સમી તરફ બનાસ નદીના પુલ પાસે આવેલા સ્પીડ બ્રેકરથી આશરે 20-25 ફૂટ દૂર પહોંચતા પાછળથી આવી રહેલી રાધનપુર-અમદાવાદ રૂટની એસટી બસ (નંબર GJ-18-ZT-1214) ના ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી મોટરસાયકલને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. સામેથી અન્ય એક વાહન આવતું હોવાથી બસ ચાલકે બસને મોટરસાયકલ તરફ દબાવી હતી.બસના દબાણને કારણે મોટરસાયકલ રોડની કિનારી પર સ્લીપ ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં મોટર સાયકલ ચલાવી રહેલા સમીરશા રોડ તરફ પટકાતા એસટી બસનું આગળનું ટાયર તેમના માથા પર ફરી વળ્યું હતું,
જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પાછળ બેઠેલા વિશાલ ઠાકોર રોડની સાઇડમાં પડતાં તેમને બંને હાથે, પગે તથા પાંસળીના ભાગે ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ એસટી બસનો ડ્રાઇવર અને કંડક્ટર બસ ઘટના સ્થળે જ મૂકીને નાસી ગયા હતા.ઇજાગ્રસ્ત વિશાલે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં મૃતક સમીરશાના શવને રાધનપુર દવાખાને ખસેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમી સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત વિશાલને પણ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના અંગે વિશાલ ઠાકોરની ફરિયાદના આધારે સમી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





