પંજાબના લુધિયાણામાં એક દુ:ખદ અકસ્માત થયો છે . લુધિયાણાના હૈબોવાલ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ચૌદ વર્ષની હેન્ડબોલ ખેલાડી અંશિકાનું મોત થયું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. અંશિકા રાજ્ય સ્તરની હેન્ડબોલ ખેલાડી હતી અને રાજ્ય સ્તરની મેચ રમવા માટે ભટિંડા જવાની હતી. જોકે, મેચના એક દિવસ પહેલા જ એક અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. સોમવારે સાંજે હૈબોવાલ વિસ્તારમાં આ દુ:ખદ અકસ્માત થયો. અંશિકા એક જાણીતા મંદિરના પૂજારી સાથે એક્ટિવા પર સ્કૂલ પ્રેક્ટિસ માટે જઈ રહી હતી. એક્ટિવામાં ત્રણ લોકો સવાર હતા, અને અંશિકા પાછળની સીટ પર બેઠી હતી.
સીસીટીવી ફૂટેજ મુજબ, તે જ ક્ષણે, સામેથી બીજી એક એક્ટિવા આવી, જ્યારે ઇંટોથી ભરેલી ટ્રોલી ત્યાંથી પસાર થઈ રહી હતી. ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવી જેથી સામેથી આવતી એક્ટિવાથી બચી શકાય. પરિણામે, એક્ટિવા લપસી ગઈ અને ત્રણેય રસ્તા પર પડી ગયા હતા.
અકસ્માત દરમિયાન, પાછળની સીટ પર બેઠેલી અંશિકા ટ્રોલી સાથે અથડાઈ ગઈ. આશરે 20 ટન ઇંટોથી ભરેલી ટ્રોલીનું પાછળનું વ્હીલ તેના માથા પરથી પસાર થઈ ગયું. ગંભીર રીતે ઘાયલ અંશિકાને તાત્કાલિક DMC હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડોકટરો તેને બચાવી શક્યા નહીં. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.





