ડીસાની નેમિનાથ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક સમયથી આડેધડ વાહનોના પાર્કિંગની સમસ્યાથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર સહિત આસપાસના વિસ્તારોમાં વાહનોના આડેધડ પાર્કિંગને કારણે રહીશોને રોજબરોજની અવરજવરમાં ભારે અગવડ પડી રહી છે. આ સમસ્યાને લઈને પાર્ક કરનાર વાહનચાલકો અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે.
કોમર્શિયલ બાંધકામો જવાબદાર ?
સોસાયટીની બહાર અને અંદર પાર્કિંગની સુવિધા વગર ઊભા કરાયેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટરો આ સમસ્યાના મૂળમાં હોવાનું જણાય છે. શોપિંગ સેન્ટરના વેપારીઓ અને ગ્રાહકો પોતાના વાહનો સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર આડેધડ પાર્ક કરી દેતા હોવાથી પરિસ્થિતિ સર્જાઈ છે.
તંત્રની કાર્યવાહી સામે સવાલો
પાર્કિંગ વિનાના શોપિંગ સેન્ટરો ઊભા હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં, સોસાયટીમાં આડેધડ પાર્કિંગ થતું હોવા છતાં પોલીસ પણ કોઈ કડક પગલાં લેતી નથી. ડીસા વહીવટીતંત્રના પારદર્શક વહીવટની પોલ આ બેદરકારીને કારણે ખુલ્લી પડી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
ખુલ્લો રસ્તો પણ દબાણ હેઠળ
નેમિનાથ સોસાયટીની બહાર બનાસ બેંક સામેના શોપિંગ સેન્ટરની બહાર લોખંડની પાઈપો ઊભી કરીને સાંકળ બાંધી દેવામાં આવી છે અને વાહનોનું પાર્કિંગ પણ રસ્તા વચ્ચે કરાઈ રહ્યું છે. પાલિકાનો ફૂટપાથ પણ ગાયબ કરી દેવાયો છે. શોપિંગ સેન્ટરના વેપારીઓ જાણે પાલિકા અને પોલીસ વિભાગના તમામ નિયમો અને કાયદાને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતિ છે.
પોલીસની કામગીરી માત્ર દેખાવ પૂરતી
આજે નેમિનાથ સોસાયટીમાં આડેધડ વાહનોના પાર્કિંગને લઈને શાન તિરંગા ગ્રુપના સભ્ય અને ધારાશાસ્ત્રી ધમેન્દ્ર ફોફાણી દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ માત્ર નામ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લીધો હતો.
કડક કાર્યવાહીની માંગ
નેમિનાથ સોસાયટીના મુખ્ય માર્ગો સહિત રાજમાર્ગો પર આડેધડ વાહનોના પાર્કિંગ સામે પોલીસ અને પાલિકા દ્વારા સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
Beta feature


