ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને બાજુથી હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ ઘણા મહિનાઓથી બંધ છે. જોકે, આજે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. લાંબા સમયથી ચાલી રહેલા આ યુદ્ધનો અંત આવી શકે છે. આ દરમિયાન, ઈરાની અધિકારીઓએ દિવંગત સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના વિદાય સમારંભ, સરઘસ અને અંતિમ સંસ્કારની તારીખો જાહેર કરી છે.
ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, દિવંગત ખામેનીના અંતિમ સંસ્કાર 4 અને 5 જુલાઈના રોજ તેહરાનમાં ઇમામ ખોમેની દરગાહ ખાતે યોજાશે. 6 જુલાઈના રોજ તેહરાનમાં પણ એક જુલુસ કાઢવામાં આવશે. ત્યારબાદ 7 જુલાઈએ પવિત્ર શહેર કોમમાં અને 9 જુલાઈએ મશહદમાં સમારોહ યોજાશે. આયાતુલ્લાહ અલી ખામેનીના પાર્થિવ દેહને મશહદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે.
નોંધનિય છે કે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા, અલી ખામેનીની 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ અવસાન થયું હતું. ઈરાન પર યુએસ-ઇઝરાયલી સંયુક્ત હવાઈ હુમલામાં ખામેનીની સાથે ઘણા અન્ય અગ્રણી ઈરાની નેતાઓનું પણ મૃત્યુ થયું હતું. ખામેનીના મૃત્યુ પછી, તેમના પુત્ર, મોજતબા ખામેનીને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.





