સાબરકાંઠામાં પર્યાવરણ જતનનો સંકલ્પ: પ્રભારી મંત્રી અને મહાનુભાવોએ ૧૨ પ્રકારના સ્વદેશી વૃક્ષોનું વાવેતર કરી હરિયાળી ક્રાંતિનો સંદેશ આપ્યો
પર્યાવરણના રક્ષણ માટે પ્રત્યેક નાગરિક વધુમાં વધુ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે સહભાગી બને તેવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે ૫ જૂન 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. મંત્રીએ આ અવસરે જિલ્લાના તમામ નાગરિકોને પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે પર્યાવરણનું જતન અનિવાર્ય છે, જે માટે દરેક નાગરિકે વધુમાં વધુ વૃક્ષો વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારવી જોઈએ.
પર્યાવરણ જાળવણીના આ ઉમદા અભિયાન અંતર્ગત હિંમતનગરના નવાનગર તળાવની પાળે વિવિધ ૧૨ પ્રકારના પરંપરાગત અને સ્વદેશી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીમડો, આંબો, ભદ્રાક્ષ, અર્જુન સાદડ, પારસ પીપળ અને સિંદૂર જેવા પર્યાવરણ માટે અત્યંત ઉપયોગી એવા સ્વદેશી છોડવાઓનું રોપણ કરીને હરિયાળી ક્રાંતિને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સાબરકાંઠાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે પણ વૃક્ષારોપણમાં સહભાગી થઈ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નાયબ વન સંરક્ષક સામાજિક વનિકરણ વિભાગ ડૉ ડી.એફ.ગઢવી (ભા.વ.સે), નાયબ વન સંરક્ષક, સાબરકાંઠા વન વિભાગ પી.જે. ચૌધરી (ભા.વ.સે.) , અગ્રણી કનુભાઈ પટેલ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને નવાનગરના ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આ પર્યાવરણલક્ષી ઝુંબેશને સફળ બનાવી હતી.





